27 - દેશ ભણી / મોહનદાસ કરમચંદ ગાંધી


હવે હું દક્ષિણ આફ્રિકામાં ત્રણ વરસ રહી ચૂક્યો હતો. લોકોને હું ઓળખતો થયો હતો. તેઓ મને ઓળખતા થયા હતા. સને ૧૮૯૬ની સાલમાં મેં છ માસને સારુ દેશ જવાની પરવાનગી માગી. મેં જોયું કે મારે દક્ષિણ આફ્રિકામાં લાંબી મુદ્દત રહેવું જોઈશે. મારી વકીલાત ઠીક ચાલતી હતી એમ કહેવાય. જાહેર કામમાં મારી હાજરીની જરૂર લોકો જોતા હતા. હું પણ જોતો હતો. તેથી મેં દક્ષિણ આફ્રિકામાં કુટુંબ સહિત રહેવાનો નિશ્ચય કર્યો અને તે સારુ દેશ જઈ આવવું દુરસ્ત ધાર્યું. વળી, જો દેશ જાઉં તો કંઈક જાહેર કામ થઈ શકે એમ મેં જોયું. દેશમાં લોકમત કેળવી આ પ્રશ્નમાં વધારે રસ ઉત્પન્ન કરાય એમ જણાયું. ત્રણ પાઉંડનો કર ભરનીંગળ હતું. તે નાબૂદ ન થાય ત્યાં લગી શાંતિ હોય નહીં.

પણ જો હું દેશ જાઉં તો કૉંગ્રેસનું ને કેળવણીમંડળનું કામ કોણ ઉપાડે? બે સાથીઓ ઉપર દ્રષ્ટિ પડી : આદમજી મિયાંખાન અને પારસી રુસ્તમજી. વેપારીવર્ગમાંથી ઘણા કામ કરનાર તરી આવ્યા હતા. પણ મંત્રીનું કામ ઉપાડે એવા, નિયમિત કામ કરવાવાળા, અને દક્ષિણ આફ્રિકામાં જન્મેલા હિંદીઓનું મન હરણ કરનારા આ બે પ્રથમ પંક્તિમાં મૂકી શકાય તેવા હતા. મંત્રીને સામાન્ય અંગ્રેજી જ્ઞાનની જરૂર તો હતી જ. આ બે માંથી મરહૂમ આદમજી મિયાંખાનને મંત્રીપદ આપવાની ભલામણ કૉંગ્રેસને કરી ને તે કબૂલ રહી. અનુભવે આ પસંદગી ઘણી સરસ નીવડી. ખંત, ઉદારતા, મીઠાશ ને વિવેકથી શેઠ આદમજી મિંયાખાને સહુને સંતોષ્યા; ને સહુને વિશ્વાસ આવ્યો કે મંત્રીનું કામ કરવાને સારુ વકીલબારિસ્ટરની કે ડિગ્રી લીધેલા બહુ અંગ્રેજી ભણેલાની જરૂર નહોતી.

૧૮૯૬ના મધ્યમાં હું દેશ જવા 'પોંગોલા' સ્ટીમરમાં ઊપડ્યો. આ સ્ટીમર કલકત્તે જનારી હતી.

સ્ટીમરમાં ઉતારુ ઘણા હતા. બે અંગ્રેજ ઑફિસર હતા. તેમની સાથે મને સોબત થઈ. એકની સાથે હંમેશા એક કલાક શતરંજ રમવામાં ગાળતો. સ્ટીમરમાં દાક્તરે મને એક 'તામિલશિક્ષક' આપ્યું. એટલે મેં તેનો અભ્યાસ શરૂ કર્યો.

નાતાલમાં મેં જોયું હતું કે મારે મુસલમાનોની સાથે વધારે નિકટ સંબંધમાં આવવા સારુ ઉર્દૂ શીખવું જોઈએ, ને મદ્રાસી હિંદીઓની સાથે તેવો સંબંધ બાંધવા સારુ તામિલ શીખવું જોઈએ.

ઉર્દૂ સારુ પેલા અંગ્રેજ મિત્રની માગણીથી મેં ડેકના ઉતારુઓમાંથી એક સુંદર મુનશી શોધી કાઢ્યો ને અમારો અભ્યાસ સરસ ચાલ્યો. અંગ્રેજ અમલદાર પોતાની યાદશક્તિમાં મારાથી ચડી જતો હતો. ઉર્દૂ અક્ષરો ઉકેલતાં મને મુસીબત આવતી, પણ તે તો એક વખત શબ્દ જુએ પછી ભૂલે નહીં. મેં મારો ઉદ્યમ વધાર્યો. પણ હું તેને ન પહોંચી શક્યો.

તામિલ અભ્યાસ પણ ઠીક ચાલ્યો. તેમાં મદદ નહોતી મળી શકતી. પુસ્તક પણ એવી રેતી લખાયું હતું કે મદદની જરૂર બહુ ન પડે.

મારી ઉમેદ હતી કે આ આરંભેલો અભ્યાસ હું દેશ પહોંચ્યા પછી જારી રાખી શકીશ. પણ તે ન જ બન્યું. ૧૮૯૩ની સાલ પછીનું મારું વચન ને મારો અભ્યાસ મુખ્યત્વે તો જેલમાં જ થયાં. આ બંને ભાષાનું જ્ઞાન મેં આગળ વધાર્યું ખરું, પણ તે બધું જેલમાં જ. તામિલનું દક્ષિણ આફ્રિકાની જેલમાં ને ઉર્દૂનું યેરવડામાં. પણ તામિલ બોલતાં કદી ન શીખ્યો, ને વાંચતા ઠીક ઠીક શીખ્યો હતો તે મહાવરાને અભાવે કટાતું જાય છે. આ અભાવનું દુઃખ હજુ સાલે છે. દક્ષિણ આફ્રિકાના મદ્રાસી હિંદીઓ પાસેથી મેં પ્રેમરસના કૂંડા પીધાં છે. તેમનું સ્મરણ મને પ્રતિક્ષણ રહે છે. તેમની શ્રદ્ધા, તેમનો ઉદ્યોગ, તેમનામાંના ઘણાનો નિસ્વાર્થ ત્યાગ, કોઈ પણ તામિલ તેલુગુને હું જોઉં છું ત્યારે મને યાદ આવ્યા વિના રહેતો નથી. અને આ બધા લગભગ નિરક્ષર ગણાય. જેવા પુરુષો તેવી સ્ત્રીઓ હતી. દક્ષિણ આફ્રિકાની લડાઈ જ નિરક્ષરોની હતી, ને તેમાં નિરક્ષર લડવૈયા હતા, - ગરીબોની હતી, ને ગરીબો તેમાં ઝૂઝ્યા.

આ ભોળા ને ભલા હિંદીઓનું ચિત્ત ચોરવામાં મને ભાષનો અંતરાય કદી આવ્યો નથી. તેમને તૂટી હિંદુસ્તાની આવડે, તૂટી અંગ્રેજી આવડે એ અમારું ગાડું ચાલે. પણ હું તો એ પ્રેમના બદલારૂપે તામિલ તેલુગુ શીખવા માગતો હતો. તામિલ તો કંઈક ચાલ્યું. તેલુગુ ઝીલવાનો પ્રયાસ હિંદુસ્તાનમાં કર્યો, પણ કક્કાને જોઈ લેવા ઉપરાંત આગળ ન ચાલી શક્યો.

મેં તામિલ તેલુગુ તો ન કર્યાં. હવે ભાગ્યે જ થઈ શકે. તેથી આ દ્રાવિડભાષાભાષીઓ હિંદુસ્તાની શીખશે એવી આશા હું રાખી રહ્યો છું. દક્ષિણ આફ્રિકાના દ્રાવિડ 'મદ્રાસી' તો અવશ્ય થોડુંઘણું હિંદી બોલે છે. મુશ્કેલી અંગ્રેજી ભણેલાની છે. કેમ જાણે અંગ્રેજીનું જ્ઞાન આપણને આપણી ભાષાઓ શીખવવામાં અંતરાયરૂપે ન હોય!

પણ આ તો વિષયાંતર થયું. આપણે મુસાફરી પૂરી કરીએ.

હજુ 'પોંગોલા'ના નાખુદાની ઓળખાણ કરાવવી બાકી છે. અમે મિત્ર બન્યા હતા. આ ભલો નાખુદા પ્લીમથ બ્રધરના સંપ્રદાયનો હતો. તેથી વહાણવિદ્યાની વાતોના કરતાં આધ્યાત્મિક વિદ્યાની જ વાતો અમારી વચ્ચે વધારે થઈ. તેણે નીતિ અને ધર્મશ્રદ્ધા વચ્ચે ભેદ પાડ્યો. તેની દ્રષ્ટિએ બાઈબલનું શિક્ષણ રમતવાત હતી. તેની ખૂબી જ તેની સહેલાઈમાં હતી. બાળકો, સ્ત્રી, પુરુષો બધાં ઈશુને અને તેના બલિદાનને માને એટલે તેમનાં પાપ ધોવાય. આ પ્લીમથ બ્રધરે મારો પ્રિટોરિયાના બ્રધરનો પરિચય તાજો કર્યો. નીતિની ચોકી જેમં કરવી પડે એ ધર્મ તેને નીરસ લાગ્યો. મારો અન્નાહાર આ મિત્રતા અને આ આદ્યાત્મિક ચર્ચાના મૂળમાં હતો. હું કેમ માંસ ન ખાઉં, ગોમાંસમાં ધો દોષ હોય, ઝાડપાલાની જેમ પશુ-પક્ષીઓને ઈશ્વરે મનુષ્યના આનંદ તેમ જ આહારને સારુ સરજેલાં નથી શું? આવી પ્રશ્નમાળા આદ્યાત્મિક વાર્તાલાપ ઉત્પન્ન કર્યા વિના ન જ રહે.

અમે એકબીજાને સમજાવી ન શક્યા. હું મારા વિચારમાં દ્રઢ થયો કે ધર્મ અને નીતિ એક જ વસ્તુનાં વાચક છે. કપ્તાનને પોતાના અભિપ્રાયના સત્યને વિષે શંકા મુદ્દલ નહોતી.

ચોવીસ દિવસને અંતે આ આનંદદાયક મુસાફરી પૂરી થઈ ને હુગલીનું સૌંદર્ય નિહાળતો હું કલકત્તા ઊતર્યો. તે જ દિવસે મેં મુંબઈ જવાની ટિકિટ કપાવી.

(પૂર્ણ)


0 comments


Leave comment