31 - એક સાંજ – જે કદી આથમતી નથી / યજ્ઞેશ દવે


ઑફિસે છૂટ્યાને કલાક થઈ ગયો છે. શાંત કલાંત ચિત્તે, થાકેલા શરીરે ખુરશી પર બેઠો છું – બારીમાંથી તાકતો. સવારે નીલ દેખાતું આકાશ અત્યારે રંગ બદલીને થોડો જાંબલી રંગનો પુટ ચડાવીને બેઠું છે. બપોરે તડકામાં ચળકતા લીમડાનાં પાંદડા થોડાં ઘેરાં થયાં છે. દૂર ક્ષિતિજથી સહેજ ઉપર તોળાયેલા એક મોટા ધ્રૂમ્રગોટ જેવા વાદળનો ઘેર એસ કલરનો ઘુમ્મટ દેખાય છે. બારી પાસે જઉં બહાર ડોકું તાણું તો આકાશની નીલાતી રક્તભા રંગ ઝાંય દેખાય વાદળોના અવનવા આકારો – સમુદ્ર કિનારે ઓટના સામાન્ય ભીની રેતીમાં પડેલાં લહેરિયાં જેવાં, આછી થઈ પ્રસરતી જતી શાહીના એક વિચિત્ર રમ્ય આકાર જેવું, એકાકી, ભીના કૅનવાસ પર ફ્રેશ રંગના લસરકા જેવા લંબાયેલા લીસોટા, ક્ષિતિજ પાસે રક્ત કેસરી દ્યુતિથી કાંતિમાન…. એવા અનેક વાદળો જોઈ શકું. પણ ઊઠવાનું જ મન નથી થતું. બહાર રસ્તાઓ ઉપર ટ્રાફિક વધ્યો હશે. વાહનોના ટોળે ટોળા ધણના ધણ ધુમાડા ઓકતા હોર્નની ચિચિયારીઓ કરતાં છીંકોટા મારતા ચીંધાડો દેતા ફૂત્કારતા આડેધડ દોડતા એકબીજાને આંતરતા દોડતા હશે. ગ્રામ પરિવેશમાં આ તો ગોધૂલિ વેળા. સીમ બીડ કે ચરિયાણમાંથી ચરીને પછી ફરતી ગાયોની ખરીઓથી ઊડતી સોનેરી ધૂળમાં ડોકાતાં રાતી ગાયોનાં વળાંકદાર શીંગડા, મોટી કાળી આંખો, ઊંચી ડોકે લથપથ દોડતી અને ગાયો જાણે કોઈ પિછવાઈનું ચિત્ર. બસોમાં પર્સ સાચવતી ધક્કામુક્કીમાં પાછળ પડી જતાં માંડ માંડ ચડતી સ્ત્રીઓ, ઠેલી ભરી શાક લઈ બેઠેલી ગૃહિણીઓ, બસના દાંડા ને પકડી થાકેલા શરીરને આધાર આપતા પુરુષો… બધાં ઘર ભણી. સ્કૂલની બહાર પાર્ક કરેલી સાયકલોની ઘોડી ઉતારી છોકરાંઓનું ટોળું કલકોલાહલ કરતું મોટા રસ્તા પરથી શેરીઓમાં સોસાયટીઓમાં ઘર ભેગું થઈ ગયું હશે. લટકતાં દફતરો વચ્ચેથી ડોકા કાઢતાં નાનાં ભૂલકાંઓ ભરેલી રીક્ષાઓ પણ એક એકને ઘરે ઉતારી આવી હશે. પાછળ જ બુચનું એક મહાકાય વૃક્ષ છે. વૃક્ષરાજ જ કહોને’ તેના પર સાંજના સમયે કોણ જાણે અનેક દિશાઓમાંથી ઊડતી ઊડતી આવી પોપટની ટોળી ફડફડ કરી બોલતી તેની નાની નાની ડાળીએ બેસી જાય છે.પોપટ પાંદડાં બની શાંત થઈ જાય છે. બધાં જ ઘર ભણી. હું આખી ઑફીસ છૂટી ગયા પછી એકલો બેઠો છું. ઘરે જવા માટે જેને બસ મોડી મળે છે તેવો એક સાથીદાર આવે છે, મને પૂછે છે. પૂછે છે શું પ્રશ્નોની ઝડી જ વરસાવે છે. “ઘરે નથી જવું ? અહીંથી સીધું બહાર જવું છે ? ભાભી સીધાં ઑફિસે આવવાના છે અને ખરીદી કરવા જવાનો છે ? કોઈ દોસ્તની રાહ જુએ છે ? સ્કૂટર નથી લાવ્યો ? ઑફિસે કામ બાકી છે?” આ બધા પ્રશ્નો વચ્ચે એક મધ્યવર્તી યક્ષપ્રશ્ન છે ‘ઘરે નથી જવું ?’

‘ના ઘરે નથી જવું.’ વરસોથી ભાગ્યે જ સાંજ ઘરમાં ગાળી હશે. અમદાવાદમાં ઑફિસમાં કામ હોય કે ન હોય એકલો બેસીને મિત્રો સાથે ફરીને અંધારું થવાની તૈયારીએ જ ઘરે ગયો છું. મને ખબર છે ઘરની જાળી પકડીને મારો નાનો છોકરો પપ્પાની રાહ જોતો હશે.પત્નીએ સાંજની ચા ઢાંકી રાખી હશે. મોટો દીકરો ફળિયામાં રમતો રમતો દોડતો મને વળગી પડશે. આ બધાની રાહને અવગણીને લગભગ નિષ્ઠુર થવાની હદે હું રોજ મોડો જ પહોંચ્યો છું. ઘરની સાંજ મને અંદરથી ફોલી ખાય છે. બે વાર ટાયફોડ થયો ત્યારે મહિના દિવસની માંદગીમાં એ ભેદી સાંજો મેં જોઈ છે. ભાઈઓ બધાં રમવા ગયા હોય, શેરીમાં છોકરાઓના રમવાનો બોલાશ સંભળાતો હોય .પિતાજી લાઈબ્રેરીથી આવ્યા ન હોય. ઘરમાં બે જ જણા હોય. હું અને મારી મા. બારીના સળિયાના પરછાયા સંકેલાઈ ગયા હોય. ઘરનાં દરેક પદાર્થો ટેબલ,શાંત પડેલી ખાટ, ચોપડીનો ઘોડો, ડામચિયો દીવાલ પરનાં ચિત્રો કે છબીઓ બધાં એક મૌન ધારણ કરીને બેઠાં હોય, એક અસ્પષ્ટ ઉદાસ અંધારું અને વિહવળ એકલતા ઘરમાં પથરાઈને પડ્યા હોય. ભગવાનને દીવો અગરબત્તી થયે જ ઘરમાં ‘જે શ્રી કૃષ્ણ’ સાથે દીવાબત્તી થાય. ભાઈઓ ધડબડ ધડબડ દાદરો ચડતા ઉપર આવે. રાત પડે ત્યારે જ મારા જીવમાં જીવ આવતો. કોઈ અજ્ઞાત પ્રદેશની સરહડ સુધી હું લટાર લગાવી આવતો. સાંજે મારા મનમાં ઉદાસીની જે છબી ઊભી કરી છે તેમાં કદાચ આ સ્મૃતિઓ કારણભૂત હશે ?

આની પાછળ કદાચ જન્મજન્માંતરની સંચિત સ્મૃતિ હશે ? Collective Unconsious હશે ? અનેક ભૂદ્રશ્યો પર નગરો પર તોળાયેલી સાંજો મેં એક મનુષ્યજાતિ તરીકે જીવ તરીકે જોઈ હશે ? ખબર નથી પણ બધાં જયારે ઘર ભણી પાછાં ફરે છે કે બગીચાઓના ખૂણાઓ, ઝાડીઓમાં પ્રેમીઓ એકબીજાની ઓથમાં સોડમાં ભરાય છે ત્યારે હું જ કેમ એકરૂપ અનાથ આત્માની જેમ રઝળું છું ? મને કોઈક રવીન્દ્રનાથની ‘બલાકા’ જેમ ‘હેથા નય હેથા નય અન્ય કોનો ખાને’ – ‘અહીં નહીં અહીં નહીં બીજે ક્યાંક’ એમ કોઈક બોલાવે છે. કોણ બલાવે છે ક્યાં બોલાવે છે તે મને ખબર નથી પણ કોઈક બોલાવે છે અચૂક. એ મને મારા વર્તમાનમાં સ્થળ કાળમાં સ્થિર નથી થવા દેતાં. એ સમયે મારે કોઈ નામ નથી હોતું, કોઈ દેશ નથી હોતો, કોઈ સંબંધ નથી હોતો. દિવસ આખો એ બધાં બંદર – ધક્કાએ લંગરાઈને રહ્યો હતો ને સાંજે અચાનક શઢમાં પવન ભરાય છે ને વહાણ ચાલવા લાગે છે. નૃસિંહ અવતારની આ રહસ્યમય ક્ષણે બધું જ શક્ય લાગે છે. વાસ્તવ અને માયાના ભેદ પણ ભુંસાવા લાગે છે.

દેવોએ વેદોમાં પ્રભાત સંધ્યા-ઉષાના પ્રાકટ્યનું ગાન ગાયું તે ઋચાઓ વાંચેલી છે પણ સાંધ્ય સંધ્યા-સાંજ વિશે એવી ઋચાઓ હશે ? નહીં દિવસ નહીં રાત એવી અવસ્થિતિ સાંજ નથી. સાંજનું પોતાનું સ્વંતંત્ર અસ્તિત્વ છે. સવાર સુંદર કોમળ ફ્રેશ છે પણ સાંજની પ્રગલ્ભતા તેની પાસે નથી. સાંજ એ એક Cosmic ઘટના ન હોય ! સાંજના સમયે જ આકાશ બોલાવે છે એ આકાશની પેલે પાર.

સાંજના ચહેરામાં મને લિયોનાર્દો દ વિંચીની જીન્રેવા દેખાય છે. કુંતલાકાર લટોવાળા સુંદર ચહેરાની ગંભીર ઉદાસ રેખાઓમાં જ એક ધરપત છે, આશ્વાસન છે. તો આ જ સાંજનો ચહેરો એ લિયોનાર્દોની મોનાલીસા જેવો પણ છે જેના આછા મરકાટમાં પણ એક રહસ્યમય ઉદાસી છે. લિયોનાર્દોએ સાંજના જ આ એકી સાથે થતાં બે ભાવને બે ચહેરાને એકીસાથે મૂકી આપ્યા છે. આ સાંજ એ અવકાશમાં ફિઝિક્સના નિયમોને વશવર્તી કોઈ પ્રકાશ લીલા નથી. સાંજ એ છે જેમ હું અને તમે છીએ. એની અસ્ફુટ વાણી મને સંભળાતી નથી, સાંજ છે. સવારે ભલે હું નીકળ્યો હોઉં ઘરેથી, સાંજે મારે કોઈ ઘર નથી – આ પૃથ્વી પણ નહીં. સાંજ એ ધૂપ છે આ પૃથ્વીનો, પરિતૃપ્ત વિરક્તિનો ગેરુઆ રંગનો આલાપ છે મારવાનો.


0 comments


Leave comment