2 - કૈંક યુગોથી સ્થિર ઊભો છું, રસ્તામાં છું / અંકિત ત્રિવેદી


કૈંક યુગોથી સ્થિર ઊભો છું, રસ્તામાં છું,
હું ક્યાં સાચો પડવાનો છું? સપનામાં છું.

કૈંક યુગોથી કૈંક લખું છું, કૈંક ભૂસું છું,
ધબકારાની પાટી પરના કક્કામાં છું.

કૈંક યુગોથી શેમાં છું હું કંઈ ના જાણું!
ના આમાં કે ના તેમાં છું, અથવામાં છું.

કૈંક યુગોથી તારા જેવો સસલો ક્યારે,
અમથું ખાશે ઝોકું એની ચર્ચામાં છું.

કૈંક યુગોથી છાંયો થઈને આજુબાજુ,
છાયાની પેલી બાજુના તડકામાં છું.


0 comments


Leave comment