56 - બંડ ખાતર બંડ જેવું પણ જગાવું બાદશા’ / ચિનુ મોદી


બંડ ખાતર બંડ જેવું પણ જગાવું બાદશા’;
હું મને આવી રીતે કાયમ ડરાવું બાદશા’.

તારી ઇચ્છાસર નદીનો નાશ કરવા જાઉં, પણ
શું થતું કે તટ ઉપર આંસુ વહાવું બાદશા’ ?

લાગણીભીના અવાજે કેમ બોલાવ્યો મને ?
શક્ય છે કે અશ્વને એડી લગાવું બાદશા’ ?

આ અરીસા મ્હેલમાં તેં કેદ રાખ્યો છે છતાં
હું ‘હુકમ, માલિક’ કહી ગરદન ઝૂકાવું બાદશા’.

તૂટતા સંબંધ વચ્ચે જીવતા ‘ઇર્શાદ’ ને
આપ ફાંસીનો હુકમ તો ઝટ બજાવું બાદશા’.


0 comments


Leave comment