18.8 - વનના પરોણા / અરદેશર ખબરદાર


આભઝરૂખેથી ઊતર્યા છે પાગ,
હૈયે શાં સમાવો, વહાલાં !
મારા સૂરજને સંધ્યાના સોહાગ
સ્નેહે શાં સજાવો, વહાલાં !-

છોડ્યાં શિખર આજે આયુષ્યગિરિનાં,
છોડી કિરણની જ્વાળા રે ;
શોધું સંધ્યાની શીળી શાંતિનાં સોણલાં,
રેલાયા ત્યાં શા રંગથાળા !
હો હૈયે શાં સમાવો વહાલાં ! ૧

મહેલ ને મેડીએ ધોમ ધખ્યાને
તપ્યાં જોબન રસઘાટે રે ;
આજે તો વનનાં આવ્યાં વિલોકન ત્યાં
છાંટો શાં અમી વનવાટે !
હો હૈયે શાં સમાવો વહાલાં ! ૨

વનમાંના વડલા ને વનમાંના જોગી,
વનના વિરાટ પડછાયા રે ;
પુરના પરોણા જેવા વનના યે પરોણા :
અદ્દલ અચલ રસરાયા !
હો હૈયે શાં સમાવો વહાલાં ! ૩

સૂર્ય દિગંતચરણે શીશ ઝુકાવે,
એવું ઝુકાવું ઉર મારું રે :
ચરણે પડ્યું એ હૈડું હૈડે સમાવજો-
રોજ ને રોજ રહે સવારું !
હો હૈયે શાં સમાવો વહાલાં ! ૪

મારા સૂરજને સંધ્યાના સોહાગ
સ્નેહે શા સજાવો વહાલાં !
આભઝરૂખેથી ઊતર્યા છે પાગ,
હૈયે શાં સમાવો વહાલાં !
-૦-


0 comments


Leave comment