40 - મારા શ્હેરમાં / અશોક ચાવડા 'બેદિલ'


માણસોને માણસોથી વેર મારા શ્હેરમાં;
એટલે વર્તાય છે ખંડેર મારા શ્હેરમાં.

એ જ રસ્તા, એ જ શેરી, ભોમિયા પણ એ જ છે,
તોય લાગે કેમ રોજે ફેર મારા શ્હેરમાં.

હું બની પ્રતિબિંબ કોની આંખમાં જઈને રહું?
સૌની આંખોમાં વસે છે ઝેર મારા શ્હેરમાં.

કોઈ કોઈને કહે શું ખુદમહીં સૌ આજ ગુમ,
હું-પણાનો રોગ છે ચોમેર મારા શ્હેરમાં.

કોઈને ફુરસદ નથી કે સાંભળે 'બેદિલ' ગઝલ,
મોં છુપાવી દેખ રોવે શે'ર મારા શ્હેરમાં.


0 comments


Leave comment