41 - થાક લાગે છે / અશોક ચાવડા 'બેદિલ'


ઘટે છે જો હૃદય વચ્ચેનું અંતર થાક લાગે છે;
નદીને એમ જોઈને સમંદર થાક લાગે છે.

તમારું રાહમાં મળવું અને થંભી જવું મારું,
ચરણને પણ જુઓ કેવો સમયસર થાક લાગે છે!

હવે તું આવ, આવીને રહે ઘરની દીવાલોમાં,
હું આવું કેમ મસ્જિદે પયંબર થાક લાગે છે.

ન જાણે રાહ કોની મૌન થઈને એ જુએ છે આમ,
હજી કે'તા નથી કોઈને પથ્થર થાક લાગે છે.

અકારણ આંખ મીંચીને નથી આડો પડ્યો 'બેદિલ',
હયાતીનેય અંતે તો ખરેખર થાક લાગે છે.


0 comments


Leave comment