42 - હાથે / અશોક ચાવડા 'બેદિલ'
અમસ્તી ફૂટતી હોતી ન લોહીની ટશર હાથે;
બનાવું છું નદીની રેતમાં ભીનું નગર હાથે.
રડાવીને જુઓ સાથે જ રડશે બેઉ આંખો આ,
કરી છે આંસુઓની વ્હેંચણી મેં માપસર હાથે.
સતત હું સાચવું છું રાખ મારી બંધ મુઠ્ઠીમાં,
હજી હમણાં જ સળગાવ્યું છે મેં મારું જ ઘર હાથે.
ઘણીયે કોશિશો કરવા છતાં ખાલી થયો છે ક્યાં?
ભરાઈ જાય છે જે ખાલીપો તારા વગર હાથે.
મિલાવે હાથ જો તું હાથ તારા મ્હેકશે 'બેદિલ',
લખેલું નામ ભૂંસાતા થયું છે તરબતર હાથે.
0 comments
Leave comment