44 - મારું / અશોક ચાવડા 'બેદિલ'
જરાયે કામમાં આવે નહીં અશ્રુવહન મારું;
નજર સામે જ બળતું જોઉં છું કાયમ સદન મારું.
જુઓ એકીટશે જોઈ રહ્યાં છે સૌ વદન મારું;
નથી રે'વા દીધું ચ્હેરા ઉપર અંતે કફન મારું.
હવે ત્યાં કોઈ વસતું હોય એવી શક્યતા નહિવત્,
છતાં પણ એ ગલીમાં હોય છે આવાગમન મારું.
તમારે લૂંટવો હો જો મને લૂંટ્યા કરો કાયમ,
હું શાયર છું અને મારી ગઝલના શે'ર ધન મારું.
હું એનાં હાથમાં મેંદી લગાવી ના શકું 'બેદિલ'
ખબર એનેય છે તોયે કરે છે એ મનન મારું
0 comments
Leave comment