46 - નથી / અશોક ચાવડા 'બેદિલ'
રઝળતી લાગણીઓ ઘર સુધી લવાઈ નથી;
ઘણા સમયથી ગઝલ એક પણ લખાઈ નથી.
જઈ રહી છે નદીઓ બધી હજી પણ ત્યાં,
હજીય આગ સમંદરની શું બુઝાઈ નથી?
કરી શક્યો ન સજીવન તને હું એ જ સબબ,
નગરમાં કોઈ ઘરે એક મુઠ્ઠી રાઈ નથી.
ચહું છું જ્યારે મને એ મળી જતી ઘરમાં,
તમારી યાદ ગમે ત્યાં હજી મુકાઈ નથી.
વગર પૂછે જ સદા આંખમાં ભરાઈ જતાં,
ભલેને આંસુની 'બેદિલ' જગા રખાઈ નથી.
0 comments
Leave comment