49 - રાખું છું / અશોક ચાવડા 'બેદિલ'


મરણ જતું ન રહે એનું ધ્યાન રાખું છું;
દરેક શ્વાસને હું સાવધાન રાખું છું.

દહન કર્યા જ કરું રોજ લાગણીઓને,
હું મારી ભીતરે આખું સ્મશાન રાખું છું.

ભલે છું કોડિયું નાનું, છતાં સમય આવ્યે,
સૂરજની સાથ બરાબરનું સ્થાન રાખું છું.

મને ખબર છે મને તું કશું ન દેવાનો,
કશું ન માંગીને હું તારી શાન રાખું છું.

કોઈની આબરૂ ખાતર હું મૌન છું 'બેદિલ'
નહીં તો હુંય તેજાબી જબાન રાખું છું.


0 comments


Leave comment