50 - થોડી / અશોક ચાવડા 'બેદિલ'


તૃષા છિપાઈ નથી, છે હજી તરસ થોડી;
કદાચ આજ પ્રણયમાં ભળી હવસ થોડી.

કરી શકાય એ રીતે જરાક હળવું મન,
દરદની આપ-લે તું કર અરસપરસ થોડી.

જનમજનમથી સમયસર મેં રાહ જોઈ છે,
જનમજનમથી તું મોડી પડી છે બસ થોડી.

હવે ન હાથમાં મારા કે આંસુઓ રોકું,
થઈ રહી છે હવે લાગણી અવશ થોડી.

કરું તો યાદ કરું કોને કોને હું 'બેદિલ',
સમયની સાથ ઘટી યાદની જણસ થોડી.


0 comments


Leave comment