53.5 - એક નોખા અભાવની સભાનતા... / અશોક ચાવડા 'બેદિલ' / શૈલેષ પંડ્યા 'ભીનાશ'


થીજી ગયું છે એય પણ તારા અભાવમાં;
લોહી હવે વ્હેતું નથી એકેય ઘાવમાં.
કાંઠાઓ રોઈ રોઈને જળને પૂછી રહ્યા :
ભૂલી ગયું છે કોણ આ પગલાં તળાવમાં?
બત્રીસ ગુણની લાગણીનો ભોગ દઈ દીધો,
છલકાયું ત્યારે નીર આ આંખોની વાવમાં.
મંદિર વચોવચ એક માણસની કતલ,
ઈશ્વર છતાં આવ્યો નહીં એના બચાવમાં.
'બેદિલ' અરીસો આટલું કહીને ફૂટી ગયો,
મારાપણાની છે ઊણપ મારા સ્વભાવમાં.
(પૃષ્ઠ-૧૧) ('પગલાં તળાવમાં')

    શિસ્તબદ્ધ ગઝલની વાત આવે એટલે અશોક ચાવડા 'બેદિલ'નું સ્મરણ થયા વગર કેમ રહે? ગીત, ગઝલ, આસ્વાદ કે વિવેચન બધામાં એ નોખોઅનોખો તરી આવે એવો પ્રેમાળ અને લાગણીશીલ માણસ. પોતાની ગઝલમાં નવો ભાવ અને એ પણ નવા પરિવેશમાં રજૂ કરતો પ્રયોગશીલ ગઝલકાર એક એવી જ સુંદર ગઝલના ઉપાડમાં કહે છે -
થીજી ગયું છે એય પણ તારા અભાવમાં;
લોહી હવે વ્હેતું નથી એકેય ઘાવમાં.
    પ્રિયજનની જુદાઈમાં વિરહના કારી ઘાવ રોજ તાજા જ રહે છે. છતાં એ ઘાવમાંથી લોહી વ્હેતું નથી. આમ, મત્લાના શે'રમાં 'થીજી ગયું છે' શબ્દસમૂહ વાતને આધારે ભારપૂર્વક અને હૃદયપૂર્વક પ્રિય શ્વાસનો અભાવ સ્વીકારે છે. નિખાલસપૂર્વક કોઈનો અભાવ સ્વીકારવો એ પણ એક વિરલ ઘટના હોય છે અને આ અભાવ પણ કેવો છે... બધું જાણે અટકી ગયું છે... પ્રવાહિતા એની ગતિ છોડીને સ્થિર થઈ છે. ઉલા મિસરામાં વ્યક્ત થતી સંવેદનાને સાની મિસરાથી લાગણીસભર ટેકો મળે છે અને શે'રની શેરિયત એક ચોક્કસ ભાવથી ભીંજાતી-ભીંજાતી પ્રિયજનના અભાવની સભાનતા કેળવે છે.
કાંઠાઓ રોઈ રોઈને જળને પૂછી રહ્યા :
ભૂલી ગયું છે કોણ આ પગલાં તળાવમાં?
    ભવ્ય અતીતને દરેક વ્યક્તિ સાચવી રાખતો હોય છે. અને હા, વ્યક્તિની સભાનતા જ અતીતને સાચવે છે એ પણ સાચું નથી?! કારણ કે જે સંવેદનાઓ જે ક્ષણે જે સ્થળે વ્યક્ત થઈ હોય, એકબીજામાં સમાઈ ગઈ હોય એવી ક્ષણોને એ સ્થળ પણ હંમેશાં પોતાની સાથે વીંટી લેતું હોય છે અને મારાપણાની સ્મૃતિ લઈ રોજ રોજ એ જ પગલાં ફરી ફરીને પોતાના પર પડે એવી આશા રાખતું હોય છે. કોઈ તળાવના કિનારે બનેલી ઘટના કદાચ આપણા મનમાંથી નીકળી પણ જાય. પરંતુ, એ તળાવનો કાંઠો સ્નેહથી ભર્યા ભર્યા પગલાં પોતાના પર અંકિત કરી લેતો હોય છે. શક્ય છે કે જનાર વ્યક્તિને આની ખબર પણ ના હોય છતાં સહજ સંબંધની Relationship ને લાગે છે કે કો'ક પગલાં ભૂલી ગયું છે અને આ વાતનું સ્મરણ થતાં એ વ્યક્તિ જરૂર પરત થશે. 'રોઈ રોઈને' શબ્દસમૂહ લયને ઘૂંટી-ઘૂંટીને વેદના વ્યક્ત કરે છે.
બત્રીસ ગુણની લાગણીનો ભોગ દઈ દીધો,
છલકાયું ત્યારે નીર આ આંખોની વાવમાં.
    એક ઉત્તમ સમપર્ણભાવમાં બત્રીસ ભોગનો પ્રસાદ આપણે પરમાત્માને અર્પિત કરતા હોઈએ છીએ. સમર્પણમાં ત્યાગ અને બલિદાન જીતી જતા હોય છે. જૂના સમયમાં વાવમાં પાણી ના આવે તો બલિદાન જોડે-સજોડે અપાયાં હોય એવી ઘટનાઓ ભૂતકાળમાં બનેલી છે. અહીં આંખોની વાવમાં બત્રીસ ગુણની લાગણીનો ભોગ આપ્યા પછી નીર છલકાય છે. ક્યા બાત હૈ!... 'લાગણીનો ભોગ' શબ્દસમૂહ શે'રને ચમત્કૃતિ બક્ષી આપણી આંખોની વાવમાં ચમકી ઊઠે છે અને શે'રની શેરિયત વધારે ઊંચકાય છે.
મંદિર વચોવચ એક માણસની કતલ,
ઈશ્વર છતાં આવ્યો નહીં એના બચાવમાં.

   આસ્તિકતા, નાસ્તિકતા, સમર્પણ અને સંકલ્પની વચ્ચે શ્વાસ લેતો આ શે'ર આપણને ક્ષણિક સ્તબ્ધ કરી દે છે. દરેક ધર્મનો સંદેશ ભલે શાંતિ હોય પણ ધર્મને કારણે જેટલા દુઃખો માનવજાતે ભોગવ્યા છે એનો પર્યાય જડવો મુશ્કેલ છે. મંદિર વચોવચ માણસની કતલ થાય અને ઈશ્વર એના બચાવમાં ના આવે એ સ્વાભાવિક બાબત છે. અત્યારના જડ થઈ ગયેલા માનસ પ્રત્યે ઈશ્વર પણ એની સંવેદના ગુમાવી દે એમાં નવાઈ પામવા જેવું કશું નથી. આમ પણ આપણે જીવતા માણસની કદર કરવાનું ભૂલી ગયા છીએ. દરેક આત્મામાં પરમાત્મા હોય છે. એટલે જ માણસની કતલ કરીને મંદિરમાંથી ઈશ્વર આવશે એ રાહ જોવી એ પણ નિરર્થક બાબત છે. અહીં શે'રની દૃષ્ટિએ ઉત્તમ કટાક્ષ વ્યક્ત કરાયો છે એમ કહી શકાય. 'કતલ' શબ્દ શે'રને વધારે માફક આવ્યો છે. આમ પણ, શે'રનો ભાવ શે'રને ઊંચકીને નવા જ ભાવવિશ્વમાં લઈ જાય છે. આ જ વાત અગાઉ કહેવાઈ નથી એમ પણ નથી, પરંતુ વર્તમાનના સંદર્ભમાં એને ક્લિક કરવાની રીત દાદ માંગી લે એવી છે.
'બેદિલ' અરીસો આટલું કહીને ફૂટી ગયો,
મારાપણાની છે ઊણપ મારા સ્વભાવમાં.

   મક્તાના શે'રમાં, માણસપણાની સાચી વિભાવના વ્યક્ત થઈ છે. આપણે હંમેશાં બીજાની ઊણપ, એના અવગુણો, દોષો નજર સમક્ષ રાખીને વર્તન કરતા હોઈએ છીએ. પ્રેમની બાબતમાં પણ સમગ્રતાનો ભાવ ક્યાંય આપણા હૃદયમાં સળવળતો નથી. આપણે સંકુચિતતા અને વાડાવૃત્તિમાંથી બહાર જ આવવા માંગતા નથી. 'મારાપણાની છે ઊણપ' શબ્દસમૂહ આપણને હચમચાવે છે. અહીં કોઈ વ્યક્તિવિષયક વાત નથી. પ્રતિબિંબમાં, સ્વભાવમાં આપણે જેવા છીએ એવા દેખાવાના અને આ વાત અરીસો સાચું બોલીને ફૂટી જાય છે. અરીસાને પણ કદાચ માણસની આક્રમક પ્રકૃતિની ખબર હશે. ખેર, ગુજરાતી ગઝલના ઉત્તમ મક્તામાં સ્થાન પામે એટલો મજબૂત મક્તા છે.

   અભાવમાં, ઘાવમાં, તળાવમાં, વાવમાં, બચાવમાં, સ્વભાવમાં - એટલે કે હમરદીફ, હમકાફિયામાં ગઝલ લખાઈ છે. ગઝલનો રઝજ છંદ ગઝલને એના લયમાં લગભગ જાળવે છે. મત્લાથી મક્તાના શે'ર સુધી એક ગજબનો ભાવ માનસપટ પર છવાઈ જાય છે. લઘુ-ગુરુની છૂટછાટ પણ ધ્યાન બહાર ના લઈ શકાય. બીજા શે'રમાં, ઉલા મિસરામાં – 'કાંઠાઓ' શબ્દમાં 'ઓ'ને લઘુ તરીકે લેવામાં આવ્યો છે. ઈ,આ, એ -ને ઘણા ગઝલકારો લઘુ તરીકે લેતા હોય છે, પરંતુ 'ઓ'ને જ્યારે લઘુ તરીકે લેવામાં આવે ત્યારે સહજ રીતે, ગઝલનો લય, પ્રવાહિતા અને ઉચ્ચારણની દૃષ્ટિએ વજનમાં થતો ફેરફાર આપણું ધ્યાન ખેંચે જ. જો કર્ણકલેશ ના થતો હોય અને ગઝલિયત ઊંચે જતી હોય ત્યારે છૂટછાટ નભી જતી હોય છે. ગઝલમાં વ્યક્ત થતી નવી સંવેદનાઓ, નવા શબ્દપ્રયોગો મને વિશેષ ગમ્યા છે.

   આજે શ્રેષ્ઠતમ થવાની દોડમાં અશોક ચાવડા 'બેદિલ' શાંતિથી કિનારે બેસી સંબંધોની સર્જનાત્મકતા હૃદયમાં રાખી, ગંભીરતાથી કાર્યમાં સતત પ્રવૃત્ત રહે છે એ સુકાતી જતી આંખોની સંવેદનામાં લીલીછમ વાત છે.
('તાદૃર્થ્ય' : જાન્યુઆરી ૨૦૦૮)


0 comments


Leave comment