53.6 - અશોકનાં પગલાં. / અશોક ચાવડા 'બેદિલ' / ડૉ. રઘુવીર ચૌધરી


   અશોક ચાવડા (જન્મઃ 1978) જન્મે ઝાલાવાડના. એમના સાત પુસ્તકો 2012માં પ્રગટ થયાં છે. ‘પગલાં તળાવમાં’ (બીજી આવૃત્તિ), ‘પગરવ તળાવમાં’, ‘તું કહું કે તમે?’, ‘ડાળખીથી સાવ છૂટાં’, ‘પીટ્યો અશ્કો’, ‘ગઝલિસ્તાન’ અને ‘શબ્દોદય’. ગઝલ, ગીત, પ્રતિબદ્ધ કવિતા, હળવી રચનાઓ અને વિવેચન તમામમાં એક ધોરણ અશોક ચાવડા જાળવતા વરતાય છે.

   ‘કુમાર’ના તંત્રી ધીરુભાઈ પરીખ સાથે કામ કરવાની તક મળી એની સાથે એ સતત અભ્યાસ કરતા રહ્યા. વાણિજ્ય, અંગ્રેજી સાહિત્ય, પત્રકારત્વ અને દૃશ્ય-શ્રાવ્ય માધ્યમોમાં પારંગત થઈ પીએચ.ડી. પણ થયા છે. હવે જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીમાં કાર્યરત છે. અંગ્રેજી અને ઉર્દૂ – બેઉ ભાષા પર પ્રભુત્વ ધરાવતા એમના જેવા નવલેખકો બહુ ઓછા છે. તો મુકુલ ચોકસી અને રઈશ મનિયારની પરંપરાના એ હાસ્યકવિ પણ છે.
નદીમાં પડ્યા’તા અમે સાથ મરવા,
હું ડૂબી ગયો એ બચી ગઈ તરીને.

   હાસ્યમાં સરેરાશ સ્તરે જઈ લગ્ન જેવા સંબંધને હળવાશથી ઘટાવવાની છૂટ હોય છે.
એ જ લોકો આમ તો બહુ ભાગ્યશાળી હોય છે,
જેમને સાળા નથી હોતા ને સાળી હોય છે.

   હાસ્યની ગીતરચનાઓમાં અંગ્રેજી શબ્દોની ભરપૂર મદદ મળી છે. નાયિકાની ઉક્તિ છે.
ઇંગ્લિશમાં ઇલુ ઇલુ બબડ્યા કરે છે એને આવડે ના ગુજરાતી કક્કો,
પીટ્યો અશ્કો.

   અશોકની આકૃતિ-પ્રકૃતિ એવી છે કે ભાગ્યે જ કોઈ એને ધક્કો મારે પણ આ તો હસવા-હસાવવા માટેની ચાલ છે. કેટલીક રચનાઓ કદાચ કવિ ભવિષ્યમાં રદ પણ કરે, પણ સામાજિક-શૈક્ષણિક સંદર્ભોવાળી રચનાઓ ટકશે.
બધા રૂપિયા શેઠના વાપરીને,
ફગાવી અમે શેઠની નોકરીને.
મને મેડલો એટલે તો મળ્યા છે,
થયો પાસ હું કાપલીઓ કરીને.

   ‘ગઝલિસ્તાન’ના કવિતાના અનુવાદક તરીકે ડૉ. અશોક ચાવડાનું વિરલ પ્રદાન લેખાશે. પ્રો. વારિસ અલવીસાહેબ કહે છે તેમ ‘મૌલિક કૃતિ જેટલો જ આકર્ષક અનુવાદ’ છે આ. એમણે ટાંકેલા શેરમાંનો એક આ છે.
કંપીને હોઠ ચૂપ રહ્યા તે છતાં ‘જિગર’,
આંખો જતી વખત એ મિલાવી જતાં રહ્યાં.

   અશોક ચાવડાએ કાફિયા બદલીને નાદસૌંદર્ય સાધ્યું છે એનો દાખલો ડૉ. ચિનુ મોદી આપે છે.
આ વખત છૂટા પડે તો શક્ય સપનામાં મળે,
જે રીતે સૂકાં થયેલાં ફૂલ પોથીમાં મળે.

   અશોક ચાવડાની લયસિદ્ધિ નોંધપાત્ર છે તેથી ભાવની તીવ્રતા કે સચ્ચાઈ હોય કે ન હોય એ શબ્દને શબ્દથી જોડી શકે છે. આ સંગ્રહની સરખામણીમાં ‘ડાળખીથી સાવ છૂટાં’ સંગ્રહની પ્રતિબદ્ધ રચનાઓ સામાજિક નિસબત ધરાવતા ભાવકોને વધુ સ્પર્શી જશે.

   દલિત સંવેદનની સફળ ગઝલ તરીકે ડૉ. રાજેશ પંડ્યાએ ‘બ્હાર રાખ્યો છે’ રચનાને સને 2009ના કવિતાચયનમાં મૂલવી છે. સમાનતાનો સ્વીકાર કેટલો છેતરામણો છે!
જમાનાની નવી આબોહવાને માન આપીને,
મને સાથે જ રાખીને સફરની બ્હાર રાખ્યો છે.
(‘દિવ્ય ભાસ્કર’, 19 મે, 2014, ‘સાહિત્ય વિશેષ’)


0 comments


Leave comment