34 - શ્વાસમાં જે ક્ષણે તું ભળે છે / ચિનુ મોદી


શ્વાસમાં જે ક્ષણે તું ભળે છે
આંસુઓથી સમય આ બળે છે,

ઉંબરે છેક આવીને કોઈ
શૂન્યતા જેમ અમને મળે છે.

ગામ છોડ્યાં ને પાધર વટાવ્યાં
કૈંક પડછાયા પાછા વળાવ્યા;

સાહ્યબી તોય તારાં સ્મરણની
કેમ ટોળે વળી ટળવળે છે ?

ઓસના શાપ પામી ગઈ છે
લાગણીવશ હથેળી થઈ છે;

સ્પર્શનાં ઝાંઝવાંના વમળમાં
નાવ કાંઠા ઉપર ખળભળે છે.

દ્રશ્યની ચાલચલગત સમજતી
બારીઓ ભીંતમાં ભીંત બનતી;

સાત પર્દા ઉપર સૂર્ય તપતાં
મીણ બળતું નથી, પીગળે છે.

સ્વર્ગનાં બંધ દ્વારે જઈને
ખૂલતાં દ્વાર વાસી દઈને;

નામ ‘ઇર્શાદ’નું તું લઈને
કેમ પડઘાતી પાછી વળે છે ?


0 comments


Leave comment