19 - પાણીમાં એ હંસ, પ્હાડો થાય પાંખાળો સમય / ચિનુ મોદી


પાણીમાં એ હંસ, પ્હાડો થાય પાંખાળો સમય
એમ બસ આપ્યા કરે છે નિત્ય કંટાળો સમય.

આમ તો સંબંધ છે સાંકળ, છતાંયે શું થયું ?
શક્ય છે કે કાલ ઊઠીને તમે પાળો સમય.

દાંત ભીડી, મુઠ્ઠી વાળી કેમ દોડો છો તમે ?
આપની પાછળ પડ્યો છે કોણ ? પગપાળો સમય?

આ ભવોભવની ભવાઈમાં સદા નડતો છતાં
ટેવ જેવો હોય તો તો કેમનો ટાળો સમય ?

એ જ શ્રદ્ધા પર હજી ‘ઇર્શાદ’ જીવ્યે જાય છે
શ્વાસથી ભૂંસી શકાતો હોય છે સમય.


0 comments


Leave comment