2.42 - ક્યાં હશે ? / મહેન્દ્ર જોશી
દૃશ્યો અદીઠાં આંધળાં લઈ આવશે તું ક્યાં હશે ?
સૌ પોતપોતાની કથા લઈ આવશે તું ક્યાં હશે ?
કાપી શકે તો કાપજે, આ કાળને ઉસેટજે
દાતર કુહાડા પાવડા લઈ આવશે તું ક્યાં હશે ?
પીડા વિષે જંગલ હશે આગળ હશે જળનાં મસાણ –
લોકો ઘણીયે વાયકા લઈ આવશે તું ક્યાં હશે ?
જે શબ્દની ઊંડી ગુફામાં આખરે ભૂલા પડયા
જ્યાંથી હવે એ આગિયા લઈ આવશે તું ક્યાં હશે ?
વૃતાંત કહી દેશે સફરનો ટુચકા માફક તને
દાવા દલીલો દાખલા લઈ આવશે તું ક્યાં હશે ?
૧૩/૦૩/૨૦૦૪
0 comments
Leave comment