2.45 - સાત ઢગલી / મહેન્દ્ર જોશી
સાત સમંદર પાર બગલી
ક્યાંક મોતી ક્યાંક મછલી
કોણ થાશે રાજરાણી ?
ધૂળની કર સાત ઢગલી
સાત ભવની એ સખી છે
લાગણી જે નાર નવલી
દ્વાર પર સાંજે સવારે
પત્ર ફેંકી જાય ચકલી
મન થશે તો ગીત ગાશું
આંગળી ! લે પ્હેર નખલી
કોઈ ઝૂકે છે ઝરૂખે
રૂપ વારંવાર બદલી
આપણી વચ્ચે કશું ક્યાં
રાખ જળની પાળ પતલી
શબ્દ આવે સાધુ વેશે
કોઈ અસલી કોઈ નકલી
૧૮/૦૨/૦૮
0 comments
Leave comment