2.49 - હજી ગઝલ કહે / મહેન્દ્ર જોશી


ઘણી નિરાંત છે હજી ગઝલ કહે
પ્રલંબ રાત છે હજી ગઝલ કહે

દરેક વેણમાં છે રૂપ રંગ રસ
મારી જ વાત છે હજી ગઝલ કહે

ઉજાગરો ને આંખની રતાશમાં
કૂણું પ્રભાત છે હજી ગઝલ કહે

ઓ શ્રાવણી ન વહાલમાં વધુ વરસ
એ અશ્રૂપાત છે હજી ગઝલ કહે

ગઝલપ્રિયા ! તને દઉં તો શું દઉં
ફકીર જાત છે હજી ગઝલ કહે

નજર સમક્ષ એ મુખારવિંદ છે
નવી જ ભાત છે હજી ગઝલ કહે

ગઝલ કહી તો વેશ ઊતરી ગયા
ન જાત – પાત છે હજી ગઝલ કહે

નજરની શાખ પર એની નજરનું ફૂલ –
એ પારિજાત છે હજી ગઝલ કહે

કશું પડ્યા કરે અને પમાય ના
શેનો પ્રપાત છે હજી ગઝલ કહે


0 comments


Leave comment