3.6 - અગ્નિ / મહેન્દ્ર જોશી


તને
એક દિવસ અંગૂઠામાંથી પ્રગટાવ્યો હતો

સ્વયંભૂ નહીં
મનવંતર નહીં ન માનસપુત્ર
મેં જ પ્રગટાવ્યો હતો અંગૂઠાના છેદમાંથી
ક્રીડાવત્ નાગોડિયો અને ભાંખોડિયાભર
નર્યો દૂધિયો
પહેલાં ચકમક વચ્ચે પછી આગિયા પાછળ
ઉંબર વટી ગયો

મેં જ કહ્યું દોડ, પવનનું પુચ્છ પકડીને
દોડ
ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ દોડ
તેં
સૂરજ પકડવા લંબાવ્યા હાથ પછી મેં જ કહ્યું :
આવ મારા અંગૂઠામાં ફરી આવ
પણ...

તું વન-વન વટાવી સમુદ્રના સમુદ્ર પી ગયો
મેં પડકાર્યો ફરી આવ : મારા ઉંબરે

તેં અણુ અણુમાં ધજા ફરકાવી
મેં કહ્યું : રોકાઈ જા

તેં ફોતરા જેમ ફૂંકી દીધી મારી વાચા
હવે હું વહાવું છું તને આંખોથી
ઉદરથી રક્તથી લિંગથી

હું પૂછું છું યાદ છે તને ?
એક દિવસ
પ્રગટાવ્યો હતો તને અંગૂઠાથી ?

૩૦/૦૪/૧૯૯૧


0 comments


Leave comment