3.9 - જન્મ દિવસે / મહેન્દ્ર જોશી


પરોઢના જાંબલી અજવાસને
આંખોમાં પ્રગટવા દીધો આપોઆપ

મોંમાં દાતણ લઈ
ઘૂમી વળ્યો નિર્જન પથ ઉપર

શાવરબાથને બદલે ચોકડીમાં અંઘોળ
અગાસીએ જઈ સૂર્યને અર્ધ્ય
ઠાકોરજીને ધૂપદીવા
તુલસીક્યારે પાણી
ચબૂતરે જાર-ગાયને રોટલો
પડોશી મૂંગી કન્યાને ઘૂંટાવ્યો એકડો
અંધને ઓળંગાવ્યો ઝીબ્રા ક્રોસ

બપોરની સૂની વેળાએ પ્રેમ પ્રસંગો સંભાર્યા
પુત્રના પ્રથમ જન્મદિવસનો હસતો આલ્બમ જોયો
વિખૂટા મિત્રોને પોસ્ટકાર્ડઝ, જૂની કવિતાઓ વાંચી ફરી ફરી
સાંજે બાગમાં ઝાડપાન સૂંઘ્યા કર્યા
ઊછળતાં શિશુઓમાં ઘડીક ઊછરી લીધું

રાતે એકલવાયાં મા-બાપ સાથે વાળું
નિદ્રિત પત્નીને કપોલસ્પર્શ
ફળિયામાં આરામખુરશી ઢાળી
નિરભ્ર ચંદ્રદર્શન

આજે ઘણા વખતે પહેલી વાર
અરીસામાં મારો અકબંધ ચહેરો જોઈ શક્યો !

રોજિંદી ઘટનાઓ વચ્ચે
રોજિંદા મારા મરણને
આજે મેં મક્કમતાપૂર્વક ટાળ્યું
આજે મેં ફક્ત આમ જ કર્યું!

૨૮/૯/૯૮


0 comments


Leave comment