3.10 - પારિજાત પ્રાંગણનું / મહેન્દ્ર જોશી


ઝબકીને જાગી જાઓ નહીં
વારંવાર

ના હું
સૌરમંડળના એકાકી તારાનું
રહસ્યમય રુદન
ના
સમુદ્રના અંતરાલે
પેઢીનું ડૂબેલું અશ્મિગત વહાણ

ના
શ્યામઘન રાત્રિઓના
સ્મશાન ઘાટની પ્રજ્વલિત અગ્નિજાળ

હું કેવળ
વિસ્મૃત થયેલી ચપટી એક
ધૂળ તમારા ગ્રહની...

ઓળખાઉં તો ઊંચકી લો
સાચવી સંકોરી લો

ચૂપચાપ પ્રવેશું તમારામાં
વંટોળ વિના આવી ચડું ઘરમાં
સવાર-સાંજ ઊડતી રહું
સંજવારીમાં

ચઢું ઊતરું
અજંપાના અકારણ દાદરાઓ
પગરખાં સાથે
વય સાથે વધું
તમારા મનમાં
વાળ સાથે ખરું વસ્ત્રો ઉપર
પડદા ઉપર
ઝાંખા-પાંખા આકારે વચ્ચે ફર્યા કરું

નાક ઉપર ચશ્માં ચઢાવી
ઊભું, અલ્લડ કિશોરી થઈને

ઉકેલું સુખદુઃખનાં સમીકરણ
જેવા તમારા ચહેરાઓ
ઘડીક ઓશિકે માથું ટેકવી પામી લઉં
ચંદ્રની વધઘટ જેવું વહાલ
સ્વપ્નવિહોણી નિદ્રામાં
પાડી લઉં પગલાં બે-ચાર
પંખીઓનાં
ચણી લઉં આંસુઓની ચણ

હાડ-માંસના અર્ધ પ્રવેશશીલ
પડદાઓ વીંધી ઠરું વિસ્મૃતિઓમાં
તમારી હથેળીઓને
ક્યાં ખબર હોય છે
હું વિસ્મૃત થયેલી ચપટીક ધૂળ...

કાલે
કિદાચ
પારિજાત થઈ અવતરું
તમારે પ્રાંગણ...

૧૭/૧૧/૨૦૦૧


0 comments


Leave comment