3.11 - કાતર / મહેન્દ્ર જોશી


*
એક કાતર
તે મારા ગામના નટુ કલાકારની
ગામ-ગપાટે ચઢતી દાદા સંગાથે
મારી નાનકડી નીચી મૂંડીમાં
પીંછા જેમ સર સર્ ફરતી

મારાં પ્હેલવારુકાં ગલગલિયાં
ખાખરાના પાનમાં બંધાવી
દાદા મને ઘેર લાવતા

ત્યારે મારે મન
કાતર એ કાતર નહોતી
હતી મોરનું એક પીછું !

*
એક કાતર
તે માના રેણઘરના સોયારામાં
પરશુરામ જેવા બાપુના
પ્રકોપથી સુરક્ષિત
મા જૂની સાડીઓમાંથી
નવી રજાઈઓ બનાવી
પટારે ભરતી
અષાઢી રાતે વરસાદ તૂટી પડે ત્યારે
માથે હાથ ફેરવી
એની સોડમાં ઢબૂરી દેતી
ત્યારે પણ
કાતર એ કાતર નહોતી
હતી માની માખણ જેવી આંગળીઓ !

*
શહેરમાં આવીને જોઈ
એક કાતર
સમજુ માસીની.
ભાડાના સંચા જેવી ઓસરીમાં
દિવસને માપસર વેતર્યા કરતી...

મારી આંખો સોઈના નાકામાં પરોવાઈ જતી !

બાપુ ઘરમાં ન હોય ત્યારે
ગપસપ પછી મા કહેતી :
‘માસીનાં ચશ્મા લૂછી દે’

તે કાતરને
પછીથી
હું અડકી શક્યો નહીં
હું ખિસ્સામાં રૂમાલ થઈને રહી ગયો !

*
પછી તો બહુ મોડેથી મળી
અજાયબી જેવી એક કાતર
તે નમુચ્છા બાપુની પેટીમાંથી
મખમલ આવૃત્ત !
તેને પણ હું ક્યારેય
અડકી શક્યો નહીં
પાંપણમાંથી મખમલ સરી ગયું હથેળીમાં

કોણે કહ્યું :
બાપુ કાયમ પરશુરામ?

પછી તો મુચ્છના દોરે મોટો થયો
દાઢી બગલ છાતી જાંઘમાં
બરછટ પુરુષનો જન્મ થયો.
કાતર કાતર કરતાં હાથ કર્કોટક બની ગયા
દરેક બજારમાં જોઈ એક કાતર
વલ્લભ કાપડિયા જેવી
સપના માત્ર વેતરી નાંખતી !

*
હવે હું ઘાસફૂસ જેવી દાઢીમુચ્છ લઈ
અરીસા સન્મુખ ઊભો રહું છું
પલટાઈ જાઉં છું
પુત્રના પૂણી જેવા ચહેરામાં

પતંગ તો શું
કાગળની નાની હોડી પણ
કાતરથી કાપી
વરસાદના પાણીમાં વહાવી શક્યો નથી......

આજે
એક કાતર
તે
મારી આંગળીઓમાં
ભેળવાઈ ગઈ છે અદૃશ્ય

જે મારા આયુષ્યના વસ્ત્રને
ફાડ્યા કરે છે
એકાન્તમાં પ્રતિપળ !

૧૨/૨/૯૯


0 comments


Leave comment