3.12 - ઈથરના સમુદ્ર / મહેન્દ્ર જોશી
ક્યાંક
કોઈ હોડી
ડૂબી રહી હશે
ઈથરના સમુદ્રમાં
ધીરે ધીરે
ચંદ્ર પડ્યો હશે
ટેકરીઓ પાછળ
પૃથ્વી અટકીને
ઊભી હશે
ડૂસકું દબાવી
બલાકૃતાનાં ઝાંઝર પાસે
પવન આલિંગતો હશે
દીવાની શગને
છેલ્લું છેલ્લું
ઝાલર ટાણે
સાધુઓ
શિલ્પસ્થ થઈ ગયા હશે
મંદિરની પાછલી પરસાળમાં
રંગીન ભૂતાવળ
ક્યાંક બેહોશ થઈ પડી હશે
કોકટેલની અંતિમ રાત્રિએ
અજવાળું ચાટતું હશે
રાતની છાતીમાંથી
ધધખતું લોહી
ફૂરચે ફૂરચા થઈ હશે
ગામ જતી છેલ્લી બસ
અંતરિયાળ
ફરી વળ્યો હશે
રેડિયો એક્ટિવ અંધકાર
જળથળમાં
મથતા હશે
વજ્રાપીઠ પડછાયાઓ
દેહના ડુંગર ઊંચકવા....
ફરી ક્યાંક
ખેડાતું હશે
ઘેનનું ખેતર
પૂર્વવત્ ફરી ક્યાંક
દેહની તૃણાંકુરિત
ગંધમાં
કલવાતાં હશે
મૈથુનરત યુગ્મો
ફરી એક હોડી
તરતી આવતી હશે
બિલોરી સમુદ્રમાં
ફરી ક્યાંક
કોઈ રાહ જોતું હશે
ઈથરના કોઈ કાંઠે.....
૧૨/૨૦૦૦
0 comments
Leave comment