3.13 - વિકલ્પો / મહેન્દ્ર જોશી


ચુપચાપ ચાલાકી વિના
વિતે છે એને એમ જ વીતવા દો

ટ્રેનની આગળ આગળ
કાચબાની પાછળ પાછળ

સાંભળો પાષાણમાં બબડતું પોલાણ
અથવા મૂંગા રહો
કશુંય કળાવા ન દો

ઘડિયાળમાં ઘૂમરાતી માછલી
ઉંબરમાં ફસડાઈ પડેલો અધૂરિયો પવન
બે મણકા વચ્ચે દુણાતી ભૂખરી દુનિયા
પાંપણો તળે ઓલવાયેલો જાદુઈ દેવતા

કહે છે કે અહીં કશુંય સ્થિર નથી
રજકણ હોય કે રાફડો
એકની એક ખિલ્લી વડે
ખોડાયે જાય છે પૃથ્વીનો પડછાયો
સોનેરી ફોલ્ડીંગ ફ્રેમમાં

બદલાય છે, બદલાઈ જવા દો
ભીંતોની કાળમીંઢ વાચા
ચહેરાઓનાં ઊતરી ગયેલાં જંગલ
પણ ખિસકોલીની એક પુચ્છ ઉપર
આટલો બધો વિશ્વાસ!

મરઘાની શેખી ઉપર સૂર્યના સૂર્ય ન્યોછાવર !

ઊગે છે, ઊગવા દો આંબો હોય કે ભૂતાવળ
હથેળીમાં કે પથારીમાં
અથવા ઉખેડીને જડમૂળથી ફેંકી દો
અવાજના ભ્રૂણને નિરાધાર રઝળતા
એકમાત્ર સત્યને

ના, એમ નથી
ખરે છે ખરવા દો નખને નીમકને વાળને વીર્યને
ધૂળને ધજાને
અથવા જે વધે છે વિરાટ થઈને વધવા દો
આવરી લો આખા બ્રહ્માંડને
પગના અંગૂઠા નીચે પુરાઈ જવા દો

કબાટમાં પેટીમાં અસ્થિની તિરાડોમાં
અથવા ઊભરાઈ જવા દો
કીડિયારામાં

બળે છે, બળવા દો તારામાં તાવડીમાં
અહર્નિશ એક જ જગાએ પેટમાં

રહી રહીને પડકારો ના
જીભને એના સર્વ સ્વાદોથી
અથવા વળવા દો વધુ રાખ પ્રત્યેક ટેરવા ઉપર
અથવા રમે છે, રમવા દો
કોડીથી કંકુથી કરચલાથી
અથવા સૂતા છે, સૂવા દો
નિર્ધુમ સ્વપ્નની બહાર નિશ્ચિત

તરે છે, તરવા દો
ફરી કહું છું
કહેવા દો
જે વીતે છે એને આમ જ વીતવા દો !

૧૦/૫/૯૨


0 comments


Leave comment