3.14 - ગાય / મહેન્દ્ર જોશી


શુક્રનો પહાડ જોઈને
લખે છે કોઈ મારી હથેળીમાં :
‘પુષ્પના પુંકેસરથી જ તારો વમવધ’
કોઈ લખે છે :
‘સહસ્ત્ર જન્મો લગ પામીશ
કમલપત્રની સુખશય્યા’

કોઈ લખે છે :
‘તરી જઈશ વૈતરણિ કામધેનુનું પુચ્છ પકડી’

સુધબુધ વિનાના શબ્દો ખરી જાય છે નખ ઉપરથી
નિંદરનું ફાટેલું વસ્ત્ર પહેરી ભટકું છું બાવળવનમાં
વાણીના બધા જ દીવા ઓલવાઈ ગયા છે

*
સાચું કહું છું સાંવરિયા, નહીં શબદ નહીં વેણ
હોઠે વળતાં ફીણમાં નહીં અરથ નહીં કહેણ

*
મારે તો એક ધોળી ધોળી ગાયના પડછાયામાં
અનેક જન્મોની ઝંખનાનું પરોઢ જોવું છે
પણ ક્યાં છે એ ગાય? ધોળી ધોળી ગાય?

*
તું જ સમંદર તું જ તરાપો તું મુક્તિદાતા માંઈ
જગ આખું તો લૂનો દરિયો, તું વૃક્ષોની શીળી છાંઈ

*
આંખના સમુદ્રમાં મત્સ્યો ઝૂર્યા કરે છે
અધૂરાં ગીતો લઈને
હું આંસુના એકેક ટીપાને સાંધી
મોતીની માળા પ્રોવું છું

*
કાચા સૂતર તાંતણે બાંધ્યું રે બ્રહ્માંડ
ફૂંક ભરીને ઓલવે ઉંદર આ કૌભાંડ

ઝંખનાઓ કંતાતી જાય કરોળિયા જેમ
વાત આટલી જ નથી
શેષનાગની શય્યા પરથી ગબડાવ્યો તો છો ગબડાવ્યો
જઈને ઊભો કાચબાની પીઠે
માથે અનુરાધા આકાશ
ત્યાં સરસર કરતી નીકળી નામે કામધેનુ ગાય
પુચ્છ પકડવા હાથ કર્યા બે ઊંચા
ત્યાં જ અચાનક તેજ લિસોટે
આંખ ગઈ અંજાઈ
કરમ ફૂટ્યાં બે હાથ ઠર્યા લ્યો, ઠાલા
તુચ્છકારથી બબડ્યા તારા :
‘જાવ લખ્યા લ્યો, ભાગ્યમાં યોનિચક્રના અવળા ફેરા'
*
ઘરને ખૂણે એકલી રંડાપો પાળે રાંક
જનમભૂખી બે આંખડી ને કરમફૂટ્યા બે હાથ

*
કે માવડી પુચ્છ પકડવા દોડ્યાં અમે જનમ ભૂલ્યાં
કે માવડી લીલેરા ભ્રૂણ શેં તોડ્યાં, અમે જનમ ભૂલ્યાં

હા હતી સ્વપ્નમાં એક વાર એક પાંખાળી શ્વેત ગાય
કોણ જાણે ક્યું આકાશ લઈ ઊતરી આવી

મારી હથેળીના ચંદ્ર પર ...
પાંપણો તો બસ રુમઝૂમ-રૂમઝૂમ
એના દેહમાં તેત્રીસ કરોડ દેવતાનો ઉજાસ
મારે રુંવે રૂંવે પ્રકટે દીવડાઓ પારાવાર
પગમાં ઘમકતી ઘૂઘરીઓ
કંઠે રણકતી ઘંટડીઓ
શિંગડીમાં ઝૂલે મેઘધનુનો લય હિંડોલ
વહી આવે દ્રુતલય મારા કર્ણપટે
મંદ મલયનો ફેનિલ રાશિ...
એના આંચળ વરસતી વાદળીઓ
હથેળી આખી ય હવે પયસરોવર
હું ગર્ભસ્થ શિશુનું ખૂલેલું નેત્ર
પ્રગટી રહ્યું બ્રહ્મરંધ્રમાં એક પદ્ય

*
હતી સ્વપ્નમાં ફક્ત એક જ વાર
એક પાંખળી ગાય શ્વેત ગાય...

*
એક જનમમાં ઝૂરવું બીજા જનમે પ્રીત
પુચ્છ પકડવું ગાયનું એ જન્માંતરની રીત

કોઈ પાડે છે હજી પણ એ તરફથી સાદ
ને ફરીને રક્તમાં ગુંજી ઊઠે છે નાદ
યાદ આવી જાય છે પાદર અને એ ગાય
આંખમાં વરસી જતો લ્યો ગોધૂલિ વરસાદ

*
ગોધૂલિ ટાણું ગોરંભાય છે
ગળે ડૂમો થઈ બાઝી જાય છે
ગામનું પાદર
થઈ જાય છાતી ઉપર ધણ પસાર
શેરીમાં વંચાય ગાયની ભાંભરતી ખરીઓ

પૂર્વજન્મની દંતકથાના તામ્રઅક્ષરો
ખીલ્લેથી વછૂટવા કરતું શિશુત્વ
પૃથ્વીને ચાટ્યા કરતી વિહ્વળ જીભો
કૈં કેટલાય હાથના
બોઘરણામાં ફીણાતું શેડકઢા ધ્વનિનું અજવાળું
આરતીના પ્રકાશમાં
ઝળહળતા ગ્રામ્યમાતાના ચહેરાઓ
ફળિયામાં ઠલવાતું આકાશ
ઉપર તારાઓનું પર્યવર્ષણ
પયસ્તાનમાં મગ્ન દેવશિશુઓ...

*
સાંજના હકડેઠઠ ટ્રાફિકમાં આંખ ધક્કે ચઢે
અથડાતી કુટાતી કાળી કાબરી રાતી ગાયો
હોટલના ખૂણે ચાના કપમાં
‘ઈવનિંગ ન્યૂઝ’ વાંચતાં
ખૂલી જાય છે જન્મની એકાદ બારી...

બારીમાં બેઠેલા લકવાગ્રસ્ત
શિશુની આંખમાં જોઉં છું
સાંજના પાછી ફરતી બસોનો રઘવાટ
આવતી જતી ગૃહિણીઓનો તલસાટ
યુનિફોર્મમાં પુપ્સીબોટઝનો ચળકાટ
તો કેટલાંય
ગંદી ગલીચ મા સમાણી ગાળ જેવા
લીંટ ઝરતાં મેલાંઘેલાં ક્ષુધાતુર
ભૂંડ સાથે ભટકતાં શેરીનાં શિશુઓ
જોઉં છું શિશુઓની આંખોમાં
છબીમાં કેદ નિજમાં નિમગ્ન
માખણચોર નંદલાલ શ્રી ગોપાલ....

*
ને મારી સામે એ જ
કાળી કાબરી રાતી ગાયો
દૂબળી પાતળી કંકાલ ગાયો
શેરીના નાકે ટ્રાફિકમાં
પાંજરાપોળે અથડાતી કુટાતી
કેટલ કેમ્પમાં ઢસડાતી
નજરે ચઢતી ચીતરી ચઢતી
ક્ષીણ આંચળ
નિરર્થક મૃત્યુ વાગોળતી
કાળી કાબરી રાતી ગાયો

સાથે બધું જ ઠેલાતું ઢસડાતું
ઘસડાતું ફંગોળાતું
જાય છે બધું જ જાય છે
સ્લોટર-હાઉસના દરવાજા ભણી
કાળી ચીસો થઈ થીજી જાય

આ જન્મ એક નદી વૈતરણિ નદી
લાગે છે ક્યારે ય નહીં ઓળંગાય....
નથી પેલી ગાય શ્વેત પાંખાળી....

નહીં ધૂળ નહીં ગોકુળ, નહીં ગીત નહીં ગુલાલ
નહીં પીંછું નહીં બંસરી કેમ કરીને જીવીશું ગોપાલ ?

૧૦/૩/૮૮


0 comments


Leave comment