2 - સભાનતાપૂર્વકની મથામણ / પ્રસ્તાવના / ઈથરના સમુદ્ર / સંજુ વાળા


ઝીણ્હે દીઠે મુંજા નેણાં ઠરે રે બાયું, હેંજા પડ્યા રે દુકાળ ......
   સાંપ્રત ગુજરાતી ગઝલને યાદ કરતાં જ કબીરના નામે સૌરાષ્ટ્ર-કાઠિયાવાડમાં ગવાતી આ ભજનની પંક્તિ વારંવાર મારી સ્મૃતિમાં સળવળે છે. આમ તો ગીત, ગઝલ કે છાંદસ-અછાંદસમાં પણ જે કવિઓ નિષ્ઠા અને જવાબદારી સાથે કામ કરે છે, તેને બાદ કરતાં પરિસ્થિતિમાં બહુ મોટો તફાવત નથી, પણ સૌથી બદતર સ્થિતિ ગઝલમાં છે એ પણ સ્વીકારવું પડે. તેમ છતાં કેટલાંક આશ્વાસનો પણ આપણી ગઝલભૂમિમાં મળી આવે છે. અહીં ઈથરના સમુદ્રની ગઝલ આ આશ્વાસન પૈકીની છે. આ સંગ્રહમાં પ્રમાણમાં ગઝલ રચનાઓ વધુ છે એટલે પ્રથમ તેના વિશે જ વાત કરીએ.

   આ સંગ્રહના કવિ મહેન્દ્ર જોશી છેલ્લાં ૩૫ વર્ષથી કવિતા સાથે નિસબત ધરાવે છે. એમ કહીએ કે સભાનપણે પ્રવર્તે છે. ૧૯૮૫માં તેમનો પ્રથમ સંગ્રહ ‘તંદ્રા' પ્રગટ થાય છે. ગીત-ગઝલ-અછાંદસના કાવ્યપ્રકારે વ્યક્ત થતા કવિની એ વખતથી કેટલીક નિજી મુદ્રા પ્રગટાવવાની મથામણ દેખાઈ આવે છે. પ્રથમ સંગ્રહના સર્જનકાળ દરમ્યાન આપણી કવિતામાં આધુનિકતાનો મોટો જુવાળ હાવી હતો. ત્યારે આ કવિ પણ પ્રવાહમાં રહીને અને ક્યારેક બહાર નીકળવાના પ્રયત્નોથી સર્જનરત રહે છે. તેની વિગતે તપાસ તો જુદી રીતે કરવી રહે. પણ આ સંગ્રહની કેટલીક રચનાઓમાં કવિ-સભાનતા અને કાવ્યનિર્માણની કેટલીક યુક્તિઓ સાથે નિસબતથી પ્રવર્તે છે. તેનો આછો અણસાર અહીં મળશે. જુઓ...
રેપર વીંટીને અંધકાર વેચતા રહો
તડકાઓ વેચવાનો અહીં ક્યાં પ્રબંધ છે ? (તંદ્રા. પૃ.ર૭)
*
ધોળા રે કમળને કાળા દાઝવા હોજી
કાળી રે ઉદાસી આંખે આંજવા હોજી (તંદ્રા. પૃ.૧૭)

   ત્યાર પછી સને ૨૦૦૮માં કવિનો બીજો સંગ્રહ ‘અગ્નિપુંજ’ પ્રગટ થાય છે. માત્ર ગઝલરચના લઈને કવિ આ સંગ્રહ આપણી સામે મૂકે છે. ‘તંદ્રા’ કરતાં ‘અગ્નિપુંજ’ની ગઝલમાં કવિની વધુ સભાનતાપૂર્વકની મથામણ દેખાઈ આવે છે. ‘સાત સમુદ્રો’ જેવી રચનાઓમાં ગઝલનો જુદો મુકામ પણ તારવી શકાય. છંદ અને અભિવ્યક્તિના થોડા વિશેષો પણ બનેની તુલનાએ તારવી શકાય એમ છે. ટૂંકમાં કવિનો અવાજ ઘૂંટાવા લાગે છે. કથન અને રચનાશૈલીમાં એક પ્રકારની ચોક્કસતા લાવવાની મથામણ પણ દેખાઈ આવે છે. પ્રમાણમાં લાંબા રદીફ, અરૂઢ ભાષા અને ગઝલ સાથેના લગાવવાળી, નિરૂપણાથી આ સંગ્રહની કેટલીક ગઝલો નોંધનીય બની આવી છે. જુઓ...
હે સમંદર કાં તો મારા નેત્રથી અઢળક વહો
કાં તો મારા નેત્રમાં કેવળ ખડકનું સ્થાન લો (અગ્નિપુંજ પૃ. ૫૭)
*
એક મોજું ઊંચકીને લઈ ગયું પાતાળમાં
મેં તરસતી જોઈ લીધી એક બીજી પણ પ્રજા (અગ્નિપુંજ પૃ. ૫૯)

   આવી મથામણો, યત્નો, સભાનતાઓ અને એક પ્રકારની નિષ્ઠા સાથેનો આ નવો મુકામ એટલે ઇથરના સમુદ્ર.
*
અરે જોશી, દઈ વચન – વળ્યા પાછા અવળ તરફ ...
*
   ‘ઈથરના સમુદ્ર’ સંગ્રહમાં ૪૯ ગઝલો સંગ્રહસ્થ થાય છે.
   આ કવિની અભિવ્યક્તિ મુખ્યત્વે ગઝલ સ્વરૂપમાં હોઈ અહીં અન્ય કાવ્યોના પ્રમાણમાં ગઝલની સંખ્યા વધારે છે. સર્જક માટે અભિવ્યક્ત થવું જરૂરી બને ત્યારે તેને વધુ હથોટીવાળા સ્વરૂપમાં વ્યક્ત થવું ગમતું હોય છે. એમ પણ કહી શકીએ કે તે વધુ ગમતા પ્રકાર કે ફોર્મમાં સારી રીતે વ્યક્ત થઈ શકતો હોય છે. અને એણે ખેડેલાં બધાં ફોર્મનો તુલનાત્મક રીતે અભ્યાસ કરતાં પણ આ હકીકત સ્પષ્ટ કરી શકાતી હોય છે. એટલે જ કદાચ મહેન્દ્ર જોશી ગઝલ પ્રકારમાં વ્યક્ત થવું વધુ પસંદ કરે છે. અને આ રચનાઓ વાંચતાં એની પ્રતીતિ પણ થાય છે.

   સામાન્ય રીતે જાણીતા અથવા તો વધુ વપરાતા ગઝલના છંદો, પ્રમાણમાં લાંબા રદીફ અને અંગત સંવેદનના પાશવાળી અભિવ્યક્તિ એ આ ગઝલોનો પ્રથમ નજરે પ્રમાણી શકાય તેવો વિશેષ છે. સર્વસામાન્ય માનવ નિયતિને સર્જકે પોતીકા નિરીક્ષણથી તારવીને ક્યાંક સરળતાથી તો ક્યાંક સંદિગ્ધતાથી આલેખવાના પ્રયત્નો કર્યા છે. તેમાં કવિનો પોતાનો મૃદુ સ્વભાવ, એને કારણે આવતી અભિવ્યક્તની સહેજ પણ અંતિમવાદી કે આક્ષેપવાદી થયા વગરની વિધાનશૈલી કારગત નીવડે છે. અભિવ્યક્તિ થવાના વિષયો ભલે એ જ પ્રેમ, પ્રકૃતિ, માનવસ્વભાવનાં નિરીક્ષણો અને નિદર્શનો હોય પણ તેની રજૂઆતમાં કવિ પોતીકો અવાજ સ્થાપવાની મથામણ કરતા પણ પ્રમાણી શકાય છે. બીજી રીતે જોઈએ તો સાંપ્રત ગઝલપ્રવૃતિમાં કોઈ પણ આગવા વિશેષ તારવવા અતિ કપરું કામ છે. સામૂહિક ચહેરાવાળી આપણી ગઝલનો કોઈ નિયત વિશેષ તારવવો મુશ્કેલ છે. છતાં પણ કેટલાક કવિઓ તેને અલગ અંદાઝ આપવાના પ્રયત્નો કરે છે. આ કવિની કેટલીક મથામણોને પણ આપણે આ ઉપલક્ષમાં જાણવી-નાણવી પડે તેમ છે. કેટલું સફળ થવાય અને કેટલાં લક્ષ્યવેધી પરિમાણો દાખવી શકાયાં છે, તે તો સઘન સમીક્ષા જ કહી શકે પણ સર્જકે આદરેલા પ્રયાસના અધ્યાસો અને અભિવ્યક્તિનાં વિવિધ અંકનો કવિના આલેખનમાંથી તાગી શકાય તો પણ એ ઓછું મહત્ત્વનું ના ગણાય. આ આખીય વાતને અંકે રાખીને તથા સંગ્રહની ગઝલોની ભાષાભિવ્યક્તિ અને વિધાનશૈલીના કારણે પણ ભાવકને જરાક રોકાઈને આગળ વધવાનું મન થાય તેવાં કેટલાંક ઉદાહરણોથી કવિના મિજાજ અને મતલબ આ સઘળા સંદર્ભથી સુભગ પરિચય પામે છે. આ રહ્યાં એ રસસ્થાનકો પૈકીનાં થોડાં.....
*
નિકટથી બહુ નિકટ છે તું....
હવે શું કહું નિકટતમ શું ? (પૃ. ૩૫)
*
નહીં તો ઊડીને એ પટકાય શાને
કોઈ કેન્દ્રગામી પકડ છે અને છે (પૃ. ૩૯)
*
જો પાંપણોની પાળથી કૈં ઘૂઘરી ખરી
તારે ચરણ જઈ રૂપેરી ઝાંઝરી થઈ
*
ત્યાં ધૂમ્રના વલય સિવાય કૈં હતું નહીં
દીધો ઊલટથી સાદ ત્યાં તારી છબી થઈ (પૃ. ૪૫)
*
આંખના તળિયે બીજું તો શું મળે ?
સ્વપ્નનાં બે ચાર છે રંગીન જખ.
*
એક ક્ષણથી બીજી ક્ષણ અથડાઈ ગઈ
વીજળી થઈને વ્યથા વીખરાઈ ગઈ
*
ભીંત તે બાજુ હતી આ બાજુ થઈ
સ્થિતિ કારાગારની બદલાઈ ગઈ
*
મિત્ર જોશી એ જ ડર સાચો પડ્યો
ઊંઘ નામે ચીજ લ્યો વેચાઈ ગઈ (પૃ.૫૧)
*
હથેળી આમ પણ સંદેહ છે, સંજીવની ક્યાં છે ?
લઈને મત્સ્યનો ઢગલો, અમે બસ અહીં સુધી પહોંચ્યા
*
હતું કે ઝગમગી ઊઠશે દુણાયેલું તિમિર ઘરનું
ઉપાડી સ્કંધ પર તડકો અમે બસ અહીં સુધી પહોંચ્યા (પૃ. પ૭)
*
ઘડિયાળ ઘરની બંધ છે બધી
જાણે સમયને સારથિ નથી (પૃ.૬૪)

   આ સંગ્રહની ગઝલોને આધુનિક કાળની અને કેટલેક અંશે ત્યાંથી આગળ વધતી ગઝલો તરીકે પ્રમાણી શકાય તેમ છે. તેમાં નાગરિકતા પામેલા કવિસંવિતનાં આંતરસંવેદનો, સ્ખલનો ક્યાંક સહેજ ઝીણી નજરે તો ક્યાંક જરા તીરછી નજરે નિહાળેલાં દૃશ્યફલકોથી માંડીને સામાજિકતાના સંદર્ભો સુધી વિસ્તરેલાં સંવેદનો, ગઝલ નિર્મિતિઓમાં ઢળે છે. આ કવિ પાસે ગઝલની ચોક્કસ પ્રકારની વિભાવના છે. નિરૂપણની એક શૈલી છે. અને સભાનતાપૂર્વકનો એક આશય પણ છે. એની મથામણ કવિતાના આંતરિક મર્મસ્થાનોને ઉઘાડવાથી જણાઈ આવે છે. તો કવિની નેમ ભાષાવિસ્તારને અંકિત કરવાની પણ છે. શેરિયત તાગવાનો કવિ-પ્રયાસ ઘણી જગ્યાએ સફળતાને વરે છે. તો ક્યાંક શેરિયતની નજીક જઈને વિધાનવ્યસ્ત પણ બની રહે છે. રચાતા સંદર્ભો, અધ્યાસો અને સંકેતોથી ગઝલને ભાવ-ભાષામાં રમતી મૂકવાની અપેક્ષાઓ અને ઇચ્છાઓ વિવિધ અભિવ્યક્તિઓ પામીને તત્ત્વદેહ ધારણ કરતી જણાઈ આવે છે. જુઓ....
*
ન કર દોડવાની ભલામણ તું એને
ગળે ઘંટ જેવું જ પડ છે અને છે (પૃ.૩૯)
*
જે આપણી વચ્ચે રહી વિકટ થયો
અવકાશ ઊંડી ખાઈનો કાપી શકે તો કાપ (પૃ.૪૭)
*
એક જે બારાક્ષરીની બહાર જઈને પણ રમે
એક પોતાનો જ કક્કો સાચવે એ કોણ છે ?
એક અંગત ઓરડાની સાવ અંગત બારીએ
ચંદ્રની સોળે કળાઓ દાખવે એ કોણ છે ? (પૃ.૬૧)
*
બાવની બા'ર તો ઘણું છેટું
શબ્દમાં કોઈ સુજ્ઞ જાગે છે.
મિત્ર જોશી અભણ અબુધ રહ્યા
એ સૂતા છે અને તજજ્ઞ જાગે છે. (પૃ.૭૦)
*
   એટલે આ વારંવાર અથડાવા છતાં ઊઠવાનો પ્રયત્ન કરતા કવિની અને એની અંદર જાગતા તજજ્ઞની ગઝલો છે. વૈયક્તિક સંવેદનો, સંઘર્ષો, સભાનતાઓ, સંદર્ભો અને અનુભવસાહચર્યોને નિજી નિરીક્ષણથી શેરમાં અવતારવાની સફળ-અસફળ બન્ને સ્થિતિ અહીંની ગઝલની નિર્મિતિ છે. આ બધામાં જ્યાં સહજ શબ્દ મળી આવ્યો છે, જ્યાં અંગતતા ઓગળી શકી છે, ત્યાં સુખદ પરિણામ પણ લાધ્યું.

   તર્કબદ્ધ રજૂઆત અને વૈધાનિકતાના અભાવે ક્યાંક, તો ક્યાંક છંદ શિથિલતાના કારણે, ક્યાંક છંદ જાળવવા માટે વપરાયેલ ભાષાની સંદિગ્ધતાના કારણે, તો ક્યારેક ભાષામાં ઓગળી નહીં શકતી બરડ અને બરછટ શબ્દોની હાજરીને કારણે શેરનું સૌંદર્ય નિર્ધારિત રીતે નિખરી આવતું નથી અથવા કાવ્યત્વ સુધી પહોંચતું નથી. આ સ્થાનોને જાણતા હોવા છતાં નિવારી શકાતાં નથી એ અંગત સ્વભાવની વિશેષતા જ લેખાશે.
*
લખે જાઉં / કવિતા / એક પછી એક ...

   ૧૪ જેટલાં અછાંદસ કાવ્યો અહીં મળે છે. ગાય જેવા કાવ્યમાં લયાત્મકતા વચ્ચે ગીતની પંક્તિઓ કે દોહા જેવા કાવ્યપ્રકારને સાંકળવામાં આવ્યાં છે. ખંડ મંદાક્રાન્તા તો શીર્ષકથી જ સૂચિત થાય છે. મહેન્દ્ર જોશીનું અછાંદસ મોટા ભાગે ભાવપ્રવણ રજૂઆત, તાર્કિક કથનરીતિ અને તત્સમના પોતવાળી સુચારુ ભાષાની નિયોજનાથી આકારિત થવા મથે છે. ભાષાના વિવિધ સ્તરોથી ઊઠતી સૌંદર્યમુલક ભભકને અવતારવાનો યત્ન ક્યાંક પ્રાકૃતિક તત્ત્વોની નિરૂપણા તો ક્યાંક માનવજીવનના વિધવિધ વળાંકોનાં નિદર્શનમાં આલેખીને કવિતાની કવિ કહે છે તે 'રૂપશ્રી’ની ખોજ આરંભાય છે.

   આ કવિએ બોલચાલની ભાષામાં ઠઠ્ઠો કે વક્રોકિત કરવામાં હોય કે તત્સમ પદાવલિ લઈને પ્રાકૃતિક તત્ત્વની અખિલાઈને સ્પર્શવાની હોય ત્યાં ભાષા પ્રત્યે સભાનતા દેખાઈ આવે છે. ભાષાનું સુઘડ રૂપ અને અકાટય કથનસામગ્રીથી પક્કડ મજબૂત બની છે ત્યાં કવિના અવાજની તાઝગી જણાઈ આવે. બે-ત્રણ ઉદાહરણથી સ્પષ્ટ કરીએ.
બંધ મુઠ્ઠીમાં
ક્ષણ એક ઘૂઘવી જાય
દરિયો
વડવાનલના
અભિશાપને જીરવતો
લખ્યે જાઉં
કવિતા
એક પછી એક.... (અભિશાપ ... પૃ. ૭૭)
*
કોણ જાણે કેટલી વાર
પામ્યો
સંગલન અને વિગલન
કેટલાં પ્રકાશવર્ષો વટાવીને
આવ્યો છું અહીં
આ સનાતન શિશુઓ વચ્ચે
જ્ઞાનનું ફળ ચાખવાને (ભિખ્ખુ.. પૃ. ૮૧)
*
ના હું
સૌરમંડળના એકાકી તારાનું
રહસ્યમય રુદન
ના સમુદ્રના અંતરાલે
પેઢીનું ડૂબેલું
અશ્મિગત વહાણ (પારિજાત પ્રાગણનું ... પૃ. ૮૫)
*
એકની એક ખીલી વડે
ખોડાયે જાય છે
પૃથ્વીનો પડછાયો સોનેરી ફોલ્ડિંગ ફ્રેમમાં (વિકલ્પો... પૃ.૯૨)
   આ કવિના અછાંદસની આ થોડી નમૂનારૂપ પંક્તિઓ જુઓ. અહીં પ્રયોજાતા બંધ મુઠ્ઠીનો દરિયો, પ્રકાશવર્ષો વટાવવા, સૌરમંડળના એકાકી તારાનું રહસ્યમય રુદન, અશ્મિગત વહાણ, અને પૃથ્વીનો પડછાયો. જેવાં કલ્પનો ઝીલતા તાત્વિક અને આધિભૌતિક સંદર્ભોને ઝીણવટથી સંવેદન કક્ષામાં લઈ જવા પડે પછીથી ખૂલતા તંત્રના અલૌકિક વિરામસ્થળોનો ઊંડાણથી પરિચય પામવો પડે, નિર્દિષ્ટ શબ્દવિસ્તારને સાંકેતિક વ્યંજના સુધી વિસ્તારતા જઈને લક્ષ્યને આંબવા થતી મથામણને સમજવી પડે, વ્યક્તની પાછળ વહી આવતા અવ્યક્તને સરવા કાને સાંભળવો પડે, તો કવિ અને કવિતાના મનોગત સુધી પહોંચી શકાય. હું મારી મર્યાદિત આસ્વાદક્ષમતામાં નહીં લઈ જાઉં. આ માત્ર નિર્દેશ છે. હવે એ કવિતા છે અને તમે છો. વિહરો...

   કાતર, વિકલ્પો અને ગાય જેવી મધ્યમ કદની રચનાઓ આ સંગ્રહની જરા વિશિષ્ટ પ્રકારની રચનાઓ છે. એમાં જુદી તરી આવતી લયાત્મક ચાલ, વિરામચિહ્નો, કાવ્યપ્રકારોનું સંકલન અને ભાષાની સંરચના તરફ પણ આપણું ધ્યાન જવું ઘટે કવિએ ઠઠ્ઠાથી લઈને કરુણ સુધીના ભાવો સાંકળવાની સાથે, ભાષાનાં સ્તરોને પણ ખપમાં લીધાં છે. કોઈ પંક્તિમાં રૂઢિપ્રયોગના નિયત થયેલા વિસ્તારને વધારવાનો યત્ન પણ કારગત નીવડે છે. વિકલ્પો જેવામાં ગદ્યનાં આવર્તનોને બેવડાવી કે અરધે છોડી દઈને, તો ગાયમાં કેટલાક પૌરાણિક કથાઘટકોના સંદર્ભોથી કથનને સંકલિત કરવાના પ્રયત્ન ને ગદ્યલયની સાથે નિયોજન પામતી રૂપકાત્મકતા અને છાંદસી રજૂઆતથી નીપજતું શૈલીવિધાન પણ માણવું ગમે તેવું છે.

   એકંદરે આ કવિની આછાંદસ કવિતા આધુનિકતા પછીના નીતર્યા વલણમાં સ્થિર થતી અને અનુ-આધુનિકને સ્પર્શવા મથતી કાવ્યનિદર્શનાને તાકે છે. એમાં સ્પષ્ટ નહીં તો અલપઝલપ પણ કવિઅવાજના આગવા અણસાર તો મળી જ રહે છે. અને એ પણ આજના સામૂહિક ચહેરાજન્ય કવિતાના કાળમાં એ ઓછું ના કહેવાય.

   છઠ્ઠી વિભક્તિના પ્રયોગથી કે જેવીતેવી રૂપાત્મક રચનારીતથી જ્યાં કવિ વિધાન કરે છે ત્યાં સંવેદના સામે વૈચારિકતા કે સમજ દાખવવાના પ્રયત્નોમાં કવિતા પાતળી પડે છે એવું જ સાહસ અલૌકિક કલ્પનોની નિયોજનામાં પણ જાણી શકાય. પણ આવાં સ્થાનોને બાદ કરતાં પ્રમાણે સુચારુ અછાંદસકર્મ અહીં મળે છે.
*
ગુજરીબજારમાં સુગંધ વેચાય ને સાથે વેચાય...
*
   આપણી કાવ્યપરંપરામાં ગીત તો ગઝલ કરતાં ઘણું વધારે જૂનું છે. છતાં આ પ્રકારમાં સાતત્યપૂર્ણ અને કાવ્યાત્મકતાથી કામ કરનાર કવિઓ બહુ ઓછા. ખરેખર તો આપણને ગઝલ કરતાં ગીત વધુ સહજ હોવું જોઈએ. જે છે તેમાં પણ અભિવ્યક્તિ અને વિષયના એકસૂરીલાપણાને હવે આપણે સારી રીતે જાણતાં થયાં છીએ. ગ્રામ્ય પરિવેશ, પરિણય, અને નાયિકાઓની તળપદ ઉક્તિઓવાળી, ઘસાઈ/પિટાઈ/ચવાઈ ગયેલી છાપ ધરાવતી એક બાજુ; તો બીજી બાજુ પદઢાળ, પ્રાપ્તિ અથવા પ્રપત્તિના ભક્તોદ્ગારવેશી. મૂલ્યાંક ગુમાવી ચૂકેલા અને બોદા અવાજવાળા સિક્કાઓમાં આજનું ગીત વધુપડતું બદ્ધ હોવાનું પણ આપણે જાણીએ છીએ. જૂની મૂડીની જાદુઈ કોથળી દેખાડ્યા કરવાની અથવા તો હથોટી બેસી ગયા પછી એ જ કુલડી અને કાંકરા લયમાં વગાડ્યા કરવાની પદ્ધતિઓ પણ જાણે કોઈને ખબર પડતી નથી એમ માની ભજવાતી રહે છે. હરિનામની ઉપરછલ્લી અને અનુકરણાત્મક બોલબાલા ગવાય છે. તો ગુજરાતી-અંગ્રેજીના મિશ્રણમાં આધુનિક ઉપકરણોને જોડી દઈ કૃતક અને આભાસી સંવેદનશીલતા પ્રગટાવતા ‘પ્રોગ્રામ’ પણ થતા રહે છે. કોઈ રાધેકૃષ્ણ.... રાધેકૃષ્ણ સ્ટ/રમાડે, તો કોઈ હલ્લો, હાય બાબા/બેબી, થોડાં આશ્વાસનો છે, પણ જૂજ.

   અહીં ગીતવિભાગ તળે ૨૧ રચનાઓ સંગ્રહીત થાય છે.
   આ કવિને ગઝલ કાવ્યપ્રકારમાં વ્યક્ત થવું વધુ ભાવે અને ફાવે છે, એટલે આ ગઝલપ્રેમી કવિના ગીતબંધવાળી રચનાઓ છે. અહીં આપણને લયની છોળ ઊડતી કે ઊર્મિનો છાક ચડતો નહીં દેખાય. સંયમિત પદબંધ, સહજ કે વિવેકાધીન ભાષા અને વૈચારિકપુદ્ગલવાળું કથન આ ગીતની ઓળખ ગણી શકાય. અહીં મોટાભાગની રચનાઓ ચોપાઈ અથવા તો એના લયાવર્તનમાં અભિવ્યક્તિ પામે છે. રચનારીતિ અને પદબંધની એક જ ચાલ અને અમૂર્ત ભાવનિરૂપણા ક્યાંક ગીતનો વિશેષ બને છે તો જ્યાં સંવેદનને સ્થાપવામાં સચોટતા હાંસલ નથી થઈ, ત્યાં મર્યાદા પણ બની રહે છે. માત્ર બે પંક્તિ જ વાંચીએ તો એ ગઝલનો શેર છે કે ગીતનો બંધ એ પણ તારવવું મુશ્કેલ લાગે. કદાચ, કવિને આમ કરીને એક નવી રીતિનું રચનાવિધાન રજૂ કરવું હોય તો એ સફળ. પણ ગીતને પુરસ્કારે એવાં તત્ત્વોની ગેરહાજરી પણ નોંધવી રહે. આ ઉદાહરણ જુઓ ...

હસી હસીને જગવું જ્યોતિ
વારી દઉં રે અખિયન મોતી

તોય ના ઝાંખે ઢાઈ અખ્ખર
પ્રેમ વિના નહીં પરણું ગિરધર (પૃ. ૩)
*
વેરી દઉં આ ગીત પરોઢી
જાઉ હવે હું અચરજ ઓઢી (પૃ.૬)
*
મધમાં ઓગળતી મધરાત
મારે મન તો એ ય પ્રભાત (પૃ.૮)
*
નીરખું ઈ તો નાજુક નમણું
જલપરીઓનું દીવા-શમણું
દરિયો નખથી નાનો કરિયો
કણ-કણ જેમાં હું ઓગળિયો (પૃ. ૧૮)

   ‘ગિરધર' શીર્ષકની ચાર અને અન્ય ત્રણ રચનામાંથી આ પંક્તિઓ જોતાં જણાઈ આવે કે કવિને રચવું છે એ તે પ્રેમલક્ષણાની પડખે બેસે તેવું પદ છે, ‘પદ-૧/૨’ પણ એ જ કુળ-મૂળની રચનાઓ છે. પરંતુ આ મધ્યકાળના આધ્યાત્મિક ઊભરા કે ઉછાળનું સસ્તું અનુકરણ નથી. એમાં ભાવોદ્રેકની ભીનાશ છે, પણ, ભાવુકતાનો ઠઠારો નથી. આ માત્ર નાયિકાની ઉક્તિઓ પણ નથી. કાં તો એ લિંગમુક્ત છે, કાં કાવ્યપુરુષની ભાવપ્રવણતા. એમાં રસિક ઉમળકાઓ કરતાં ઠરેલ નિયોજના વધુ ઊપસે છે. એનો પ્રવાહ નીતરવા કરતાં આંતરવ્હેણમાં અટકી અટકીને વહેતો પ્રમાણવો ઘટે. એટલે આ વ્યવસ્થા, એને સભાન કવિની ધારેલી અને નિર્ધારેલી નિરૂપણા કહેવા પ્રેરે છે. લઈ શકીએ તો એમાં જ કાવ્યરહસ્યની કે રસની લ્હાણ લેવાની છે. આજના ગીતનો આ પણ એક મુકામ હોઈ શકે એવી ખુલ્લી ભાવકતા લઈને આ રચનાઓમાં પ્રવેશીએ તો ?

   ‘વરતારા', ‘પરછાંઈ', ‘ભાષા વેદની', ‘ગુજરી બજારમાં’ અને ‘બાગમાં’ જેવી બીજી થોડી ગીત-રચનાઓ પણ અહીં મળે છે. કવિ અહીં પણ પ્રમાણમાં અરૂઢ એવાં ભાવ-સંવેદનને પોતીકી રીતે અભિવ્યક્ત કરવા મથે છે. પસંદગીપૂર્વકનું શબ્દ ચયન, વ્યંજના કે લક્ષણાગત અભિવ્યક્તિ, સ્વકીય અંદાઝવાળી નિદર્શના, જીવન અને જગતને જાણવા/નાણવાની શોધપ્રધાન દૃષ્ટિ અને રહસ્યના પૂટવાળી ભાષાસંરચના આ ગીતની લાક્ષણિકતાઓ ગણી શકાય. ભાવ-ભાષાના આ ગીત-રસાયણમાં જ્યાં રસકીય અભિવ્યક્તિ સાંપડી છે કે કવિ દાખવી શક્યા છે ત્યાં ઉત્તમ કાવ્યત્વ પ્રગટે છે. આ રહ્યા થોડા નમૂનાઓ...
*
બીજમાં પોઢી ઝૂલણહાર ઝુલાવે વડવાઈ
આજ અમે તો જળમાં દીઠી નભની રે પરછાંઈ (પૃ.૧૩)
*
ખિસકોલી હોય એ તો કંકર ફેંકીને રહે રાજી
કંકર જે હોય એ તો દરિયો બાંધીને કહે હાજી
કેમ હોડીનું નામ લઈ હુંકારા કરતી રે કાચલી ?
જળનું ગુમાન કરે માટલી ! (પૃ. ૧૬)
*
મંદિરની પગથારે શીરો વહેંચાય અને સાથે વ્હેંચાય કોનાં ટેરવાં ?
ગુજરીબજારમાં સુગંધ વેચાય અને સાથે વેચાય જૂનાં ત્રાજવાં..
*
   જુઓ આ અનુભવવ્યાપાર ! કવિને બીજના આંતરકોષને ઓળખવું છે અને હુંકારા કરતી કાચલી તથા મંદિરની પગથારે વ્હેંચાતાં ટેરવાંના રહસ્યને પણ જાણવું છે ! એની આ ઉત્કંઠા અને ઉદ્રેક પોતાનામાં ઠરવા અને ભાવકને ઠારવા મથે છે, એનું આપણને મોટું મૂલ્ય છે. પણ કવિ ! તમારે લયની તરબોળ કરતી સન્નિધિને અને ભાષાની વ્યંજક રસાત્મકતાને જરાક હજુ પણ ઝીણવટથી ઉકેલવી બાકી છે. એની પતીજ પડશે એટલે આવાં ઘણાં રહસ્યો તમારા હાથવેંતમાં હશે.
बर्क को पा-ब-हिना बांधते हैं । - मिर्जा गालिब

   ગાલિબસાહેબે તો આ ‘વીજળીના પગે મહેંદી મૂકવાની’ વાત, એ આખો શે’ર જોઈએ તો જુદા સંદર્ભે કરી છે. મને લાગે છે કવિતા કરવી એ તો સરાસર એવું, પરંતુ કવિતા વિશે વાત કરવી એ પણ એનાથી જરા પણ ઓછું નથી. એમાં પણ સમકાલીન મિત્ર-કવિ વિશે વાત કરવી એ તો પહેલા વરસાદની ‘વીજળીના પગે મહેંદી મૂકવા’ જેવું. આ સંગ્રહની કવિતાનાં રૂપો પ્રતિરૂપોમાંથી નખરી આવતું કથયિતવ્ય કવિના અનુભવવિશ્વમાં ઝિલાયેલાં સદ્-અસદનાં વિવિધ પ્રતિબિંબ અથવા તો પરિમાણ અન્વેષણા દરમ્યાન પમાયેલાં આંતરસંચલનોનું ભાવ-ભાષાગત નિરૂપણ છે. એમાં પ્રાકૃતિક અને પરિણયમૂલક સંવેદનો છે. તો માનવનિયતિનાં સહજ સંચલનોનો પરિવેશ પણ ખૂલે છે. કવિ દરેક વાતે સફળ જ થાય એવું શક્ય નથી, આ કવિતામાં પણ ક્યાંક અસહજ ભાષા, શિથિલ છંદ/લય/વિધાન, સપાટ અભિવ્યક્તિ, કે માત્ર શબ્દોમાં ગૂંચવાતા ક્વયિત્વયના કારણે અસફળતા સામે ધસી આવે, પરંતુ સતત જાગ્રત રહી, નિષ્ઠાથી કામ કરતો સર્જક જો એની પાછળ દેખાઈ આવે તો એ પણ મોટી વાત છે. આ કવિમાં અને એની કવિતામાં મને આવા સર્જકનાં દર્શન થયાં છે. એ પણ એક લ્હાવો. તમને પણ અહીં આવું દર્શન લાધે એવી સુકામનાઓ સાથે આ સંગ્રહને આવકાર અને કવિને અભિનંદન. અસ્તુ
- સંજુ વાળા
એ-૭૭ આલાપ એવન્યૂ,
યુનિવર્સિટી રોડ, રાજકોટ-૩૬૦૦૦૫


0 comments


Leave comment