6 - દુ:સ્વપ્ન / પન્ના નાયક


અંધકાર ચારેકોર
નિર્જન વગડો (તમરાંય નહીં!)
ભુલભુલામણીમાં ખોવાઈ ગઈ છું.
આંખે અંધારાં આવે છે,
તમ્મર ખાઈને પડું છું
જાગું છું કોઈ નવી દુનિયામાં.
માઇલો સુધી વિસ્તરેલા રેતીના ઢગ
તાપની કિકિયારીઓ પાડતાં કિરણો
તૃષાથી ગળું સુકાય છે
ભીની રેતી પણ ક્યાં કદી ખાઈ શકાય છે!
*
ઊંડી ખાઈમાં આળોટું છું
દોરડું લટકે છે અધવચ
પણ ઉપર જવું શી રીતે?
*
ઉપર અનેક મનુષ્યો
ખાડામાં પડેલી સિંહણની લાચારીથી
ખુશ થાય એમ
મારો ખેલ જુએ છે.
કહે છે આ તો મારા પાપની સજા છે.
મને ઊંઘ નથી આવતી
ને આ દુ:સ્વપ્ન…


0 comments


Leave comment