12 - પ્રિયનું નામ / પન્ના નાયક
શું કરું?
શું કરવું સમજાયું નહીં એટલે
ગણું ગણું ને ભૂલી જાઉં
એવું કામ કર્યા કર્યું.
પૂનમની રાતે (અમાસે તો સ્હેલા!) આંખ-મીચકારતા
તારા ગણ્યા.
પારિજાતની ખુલ્લી-અર્ધખુલ્લી
કળીઓ ગણી.
બારી બહાર ટપ ટપ ટપકતાં
વર્ષાનાં ફોરાં ગણ્યાં.
ઘડિયાળના કાંટા ખસે એ ક્ષણ
પકડવા પ્રયત્ન કર્યો.
મિનિટમાં મારી આંખો
કેટલી વાર પલકારે છે
એની અરીસામાં ગણતરી કરી.
પણ કશું બદલાયું નહીં.
ત્યાં અચાનક
શું સૂઊયું
મારી લાલ પેનથી
પ્રિયનું નામ લખ્યું
એક વાર નહીં
અનેક વાર
એણે જ ચૂમેલી આ હથેળી પર—
ને
ક્ષણભર માટે
વ્યાપેલી એકલતા
પરપોટો થઈ ફૂટી ગઈ.
0 comments
Leave comment