14 - નિશાની / પન્ના નાયક


વનમાં પાનખર બેઠી,
આટઆટલાં વૃક્ષોનાં
અસંખ્ય પર્ણોમાંથી
હું અડધું સૂકું, અડધું લીલું
ખર્યું.
પણ વેગીલા વાયરાની ઝાપટે
મોકલ્યું મને તારે આંગણે.
હું ત્યાં ને ત્યાં પડી રહું
કે
સૂકા કચરા ભેગું ભળી જાઉં
એ પહેલાં
પંપાળી લે મને તારી નાજુક આંગળીઓ—
કરાવી દે સ્પર્શ તારે ગાલે, ભાલે, હોઠે
ને
રાખ મને
લાગણીની નિશાની તરીકે
વણલખાયેલી કવિતાના
પુસ્તકનાં પાનાંઓ વચ્ચે.
એક દિવસ
જ્યારે એ પાનાં ઊઘડશે
ત્યારે અનામી વૃક્ષની
ડાળીથી ખરેલા
ખરેલા
કોઈ પર્ણની
સૂકી યાદ
તાજી થશે.


0 comments


Leave comment