15 - શોધ / પન્ના નાયક
હું તને શોધું છું
ઘરના
તમામ ઓરડાઓ, ખૂણાખાંચાઓ
હું ખૂંદી વળું છું.
તું માનીશ? આવતી-જતી
હવાની બારી પણ
બે વાર ઉઘાડ-બંધ કરી જોઈ!
અરે, એક વાર, ટેબલના ખાનામાં
જેમાં તો માત્ર પત્રો જ મૂકી શકાય
એમાં મેં ક્યાંય સુધી જોયા કર્યું.
તું ક્યાંય નથી,
હું જાણું છું
તું આ શૂન્ય ઘરમાં નથી જ
એટલે બહાર જ છે.
મને બીક લાગે છે
આ શિશિરના હિમપ્રપાતોની નીચે
તું કણસતો તો નહીં હોય ને?
પણ ના, ના, ક્યાંય દોરાઈ જાય એ તું તો નથી જ નથી.
તું મને શોધવા જ ઘરની બહાર નીકળ્યો છે
એવું બને તો કેવું સારું—
તારી અને મારી શોધ
એક જ ક્ષણે
અને એક જ સ્થળે પૂરી થાય.
0 comments
Leave comment