51 - પારકું કહેવું પડે ક્યારેક પોતાનું હરણ / ચિનુ મોદી


પારકું કહેવું પડે ક્યારેક પોતાનું હરણ
એય પાછું કોઇ બતલાવે તો જોવાનું હરણ.

આ વખત વનવાસ માટેનું સ્વયં કારણ બને
દૂર વનમાં દૂર ખેંચી જાય સોનાનું હરણ.

વાંક મારો પણ નથી કે વાંક એનો પણ નથી
કેમ કલ્પ્યું જાય વનમાં સાવ શોભાનું હરણ ?

ઝાંઝવા પાઈ ઉછેર્યું એટલે મરતું નથી
સાવ સાદી આ સમજમાં ગૂમ ફોટાનું હરણ.

ભીંત ભૂંરાંટી થઈ પીછો કરે એવી ક્ષણે
ઓ ચરણ, ‘ઇર્શાદ’ પેઠે દોડ તો માનું હરણ.


0 comments


Leave comment