21 - જ્યોત થઈ જાઉં છું / પન્ના નાયક
રોજ સવારે
મૂર્તિ સામે
ઘીનો દીવો કરું
ને
આંખ પાસે ઊભી થાય
ભડભડ બળતી ચિતા.
આય અગ્નિ ને એ પણ—
બન્ને સરખા પાવનકારી
લઈ જાય છે મને પરમાત્મા પાસે.
મારા ચહેરા પર કોઈ અવનવી આભા પ્રગટી ઊઠે છે
એના જ તેજનો પડઘો!
મિલનના સૂર ગુંજી ઊઠે છે
મારાં વસ્ત્રો સરી પડે છે—
હું જ્યોત થઈ જાઉં છું
હું એક થઈ જાઉં છું
કોઈ મને
તેના બાહુ પ્રસારી
સમાવી લે છે…
અને રહી જાય છે ધરતી પર મારી રાખ!
22 - કેટકેટલે વર્ષે / પન્ના નાયક
કેટકેટલાં વર્ષો પછી
મારે બારણે તારો પત્ર…
દ્વાર ટકોર્યું
પત્ર લીધો
ખોલ્યો
અક્ષરો ઝંઝા થઈને ઊમટ્યા
ઊકલી નહીં એ લિપિ
ઝાંખી શાહી
—વહ્યા સમયની વાણી વહી રહી ચૂપચાપ
કેટકેટલાં વર્ષો પછી
આંખ ઉકેલે આંસુ.
0 comments
Leave comment