41 - સંગ એવો રંગ લાગી જાય છે, કોણે કહ્યું ? / ચિનુ મોદી


સંગ એવો રંગ લાગી જાય છે, કોણે કહ્યું ?
ચાડિયાથી ઓ ‘ચિનુ’ ઊડાય છે, કોણે કહ્યું ?

સૂર્યના બાળ્યાથી જે બળતાં નથી એ પાંદડાં
ડાળીએથી તોડતાં સૂકાય છે, કોણે કહ્યું ?

આમ તો પગલાં હજારોના હિસાબે હોય છે
એટલે રસ્તા નકામા થાય છે, કોણે કહ્યું ?

સાવ કાણી ડોલ, ખાલીખમ કૂવે ઊતારતાં
શ્વાસ થાકી હારી છૂટી જાય છે, કોણે કહ્યું ?

બંધ દરવાજો કરી દેવાથી શું વળશે ‘ચિનુ’
દ્રશ્ય કેવળ આંખથી દેખાય છે, કોણે કહ્યું ?


0 comments


Leave comment