1.2 - આલાપ / રમણીક અગ્રાવત


વિલંબિત ગતિમાં સરતો ઘેરો ત્રિતાલ
વળી વળીને ઊભરતા મન્દ્ર ધૈવતની કુમાશ
દિવસો દિવસો
      અનવરત દિવસો
મારામાં આવી
      મારામાંથી જાય દિવસો
દેહરાત્રિનું બરછટ આકાશ ચીરતો
કોઈ તારો ખરે
પોલી હથેળીમાં વારે વારે જોયા કરું હજી
ઝરે, કોઈ સ્મરણ ઝર-ઝર ઝરે
ધીમું ધીમું ગરજતા દ્રુત ત્રિતાલ
ખખળતો નાદ સા
ગોટ ગોટ જાંબલી સ્વપ્નોમાંથી અવતરતો સા. . . .
હળવેથી ઊતરે બદામનું ઘેરુ કેસરી પાન
પહોળી હથેળી જેવી ફળીમાં....


0 comments


Leave comment