1.7 - મિત્ર / રમણીક અગ્રાવત


રસ્તાની ભીડમાં જે મને સાવ ઘસાઈને ચાલે છે
એને શોધું છું
કયારેક એકાન્તમાં મારાથી થોડે છેટે જઈ
જે મને સતત ટીકી રહે છે
શોધું છું સતત એને
હું હજી પકડું ન પકડું ત્યાં
સાંજની છેલ્લી બસનાં ફૂટબોર્ડ પર લટકી
એ કોણ જતું રહ્યું ?
મોડી સાંજે અસાવધપણે ઘરમાં પ્રવેશતાં
કોણ આવકારતું ઊભુ રહ્યું બારણામાં કદીક ?

કેટલેય કાળ વીત્યે મળ્યા'તા અમે બે મિત્રો
વાળમાં થોડી સફેદ છાંટ, કપાળમાં ઊંડા ચીલા બેચાર
ડાબા નસકોરામાંથી ડોકાતો પાકો વાળ
હસી હસી વાતા કરતા રહ્યા
અટ્ટહાસ્યને પગલે પગલે
કોઈ ક્યારે સરકી ગયું નીરવતામાં એની તમા ન રહી...
મોડી રાતે
કિચૂડાતી બારી સૂમસામશેરી ઝોકે ચઢ્યો પવન
સ્ટ્રીટલાઈટના ઝાંખા અજવાસમાં દૂર ...........
". . . . . . . . . અરે કોઈ–.”
* * *
રાજુ માટે.


0 comments


Leave comment