1.8 - બા / રમણીક અગ્રાવત


ક્યારેક મારી બા હસી પડતી
ત્યારે એના ચહેરા પર જે આભા પથરાઈ વળતી
તેવા ચળકતા લાલ રંગનું ઘર
દૂર દૂર દેખાય છે
એની આજુબાજુ ઝાંખાં પડી ગયેલા સ્મરણોની ઝાંય
લાલ દીવાલો અને કેસરી છાપરાંવાળું મારું ઘર
બારીમાંથી ઢોળાતાં ફાટફાટ લીલાં આશ્ચર્યો
ગાઢા ભૂરા રંગની પશ્ચાદ-ભૂમાં
સફેદ લસરકે ટપકું થતાં જતાં પંખી
દેખાય કે ન દેખાય
પણ આખાય ચિત્રને બાથમાં લઈને
હજી ય મારી બા ઊભી છે
અવિચલ અવિશ્રાંત...


0 comments


Leave comment