1.10 - આગમન / રમણીક અગ્રાવત


ભીની ભીની કેશવાળી
ભીનું સઘળું શરીર ઝટકટો ઘોડો
ભીનું ભીનું હલ્યા કરે
કાળોડિબાંગ માંસલ ગોરંભો હણહણે
હચમચે બ્હાવરો પવન
ખાબકે ભફાંગ
કડકડે ગાભણી દિશા
લદબદ માટીના થર આાકળવિકળ
કૂણા તડકાની ભીની ચાંચે
      લથપથ માટી લસરે
તડાક્
      ફૂટે બીજ થથરતું.


0 comments


Leave comment