2.1 - ક્ષણ / રમણીક અગ્રાવત


મીંચે ઉઘાડે મને વારે વારે
મારે બારણે બેઠી એક ચકલી નાની
પવન જેવું રેશમી રેશમી
મારે બારણે હીંચે એક ચકલી નાની
જાઓ કોઈ થશે નહીં કામ આજ
મારે ફળિયે ફૂટી ફોરમ ખાસ
તણખલાંની પેઠે ઝાલી ચાંચમાં
મને ચકલી ચૂમે
લઈ પગમાં લઈ ચાંચમાં મને આમ ઝંઝીકે
આછેરી હવાની ફૂંકે હું તો ઊડું રે કાંઈ ઊડું ઊડું
ચીં ચીં લયમાં ડોલે ડોલે સઘળું ઘર
બારણે બારીએ ઘરમોભારે કુંપળો ફૂટી
છત ને બોલકી ભીત્યુંમાંથી ભીની ભીની ગંધ વછૂટી
મીઠી મીઠી ઘેનમાં ઘૂંટી
એક મઝાની ચકલી મારે બારણે બેઠી


0 comments


Leave comment