2.3 - સમયમાં / રમણીક અગ્રાવત


આપણે પ્રવાસી
કોઈક સમયથી નીકળ્યાં કોઈક સમયમાં
બજારોની ભીડમાં આપણી હૂંફ સાચવી
ચાલ્યા કર્યું છે ગામ ગામે પ્રાન્ત પ્રાન્તે
કેટલીય સાંજો, સવારો, ક્ષણો,
શણગારી ઘર ઓરડો
રાહ જોયા કરી આપણે
કોઈ સ્ટેશને નમતા અજવાસમાં
ઊભાં છીએ કેટલાય વખતથી,
કેટલાય વખતથી બારીમાં મન ટેકવી
ઊભાં છીએ એમ જ.
કોઈક સમે હું વળાવું તને
કોઈ સમે તુ મને આવકારે
કંઈ કેટલીવાર ભાંભરતું ઘર છોડી પછવાડે
નીકળ્યાં છીએ ભીની પળો વીંટાળી પ્રવાસે
કોઈ વાહનમાં સ્વપ્નિલ બારી સહિત
વહેતાં રહ્યાં છીએ ક્યાંય ક્યાંયથી સમયમાં...


0 comments


Leave comment