2.5 - જાંબલી રંગનું ફૂલ / રમણીક અગ્રાવત


લીલી લટને નેજવે હીંચે લાલમલાલ ફૂલ
નાક-નમણું દાંડીએ બેઠું પતંગિયું
જ્યાં ઊડે
જાંબલી જાંબલી સપનામાં મારું
આજુબાજુનું પાતળું આયખુ
સાવ સડેડાટ ગૂલ...
પોપચે ઢાંકી વાત તું તો સાવ હળવે હળવે ખોલે
ઘેનલચીલાં ઘૂઘવે કપોત મદનીતરતું બોલે
પાંચ પાંચ કૂલ સામટાં ખીલે
રંગ-ભભકની છોળ મચી રે
ઝાલું તો ક્યે હાથથી ઝાલું
કાન સોંસરવું મુખ, ને મારા હાથ ઘડીમાં ગૂમ

આથમતી આ વેળા ઢળે ત્યાં
આવ તને હું અડકી
મેલું મનને સાતમે મોલ
ભીના સૂરને દોરે પરોવી રોજને ટેરવે ગૂંથશું ગમતા બોલ
રોજનો સૂરજ રોજનો ચાંદો
રોજનું ભૂલવું રોજની યાદો
ભીંજવી એમાં
ધારશું એને જાંબલી રંગનું ફૂલ...


0 comments


Leave comment